અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્યઝોન ઇજનેર વિભાગ દ્વારા શાહીબાગ વોર્ડના નાગરિકો માટે બે મહત્વપૂર્ણ પ્રજાલક્ષી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી છે. ગિરધરનગર વિસ્તારમાં જેઠાભાઈ ગાર્ડન પાસે રૂ.૫.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન અર્બન હેલ્થ સેન્ટર તેમજ રૂ.૩.૦૦ કરોડના ખર્ચે 2500 લોકોની ક્ષમતા ધરાવતા પાર્ટી પ્લોટનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું છે.
રિપોર્ટ મુજબ, આ લોકાર્પણ કાર્યક્રમ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હિતેશ કાંતિલાલ બારોટ તેમજ સંસદ સભ્ય દિનેશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે અન્ય પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા તથા શહેરી વિકાસને નવી દિશા આપવા સતત કાર્યરત છે.
અદ્યતન અર્બન હેલ્થ સેન્ટર શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને ઘરઆંગણે જ ઉત્તમ અને પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહેશે. સાથોસાથ, વિશાળ ક્ષમતા ધરાવતો નવો પાર્ટી પ્લોટ કાર્યરત થવાથી આ વિસ્તારના લોકોને સામાજિક, ધાર્મિક અને પારિવારિક પ્રસંગોના આયોજન માટે યોગ્ય અને આધુનિક સુવિધા પ્રાપ્ત થશે.


