અમદાવાદ : અમદાવાદ અને લાખો ગુજરાતીઓ વાહનચાલકોને નવા વર્ષ પહેલા મોટી રાહત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીઓને દિવાળી ભેટ આપી છે. અમિત શાહના હસ્તે આજે, નવમી નવેમ્બરના દિવસે SG હાઈવે પરનો બ્રિજ ખુલ્લો મુકાયો છે. એસજી હાઈવેના એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો છે. જેના કારણે લાખો વાહનચાલકોને ટ્રાફિકથી મુક્તિ મળશે.
રિપોર્ટ મુજબ, આજે સવારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પહોંચી રૂ. 450 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા 4.5 કિમી લાંબા સરખેજ-ઈસ્કોન એલિવેટેડ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેનાથી વાહનચાલકો કોઈપણ ટ્રાફિક સિગ્નલ વિના સીધા ગાંધીનગર નોનસ્ટોપ પહોંચી શકશે. આ આધુનિક બ્રિજ પરથી રોજના 2 લાખથી વધુ લોકો સરળતાથી અવરજવર કરી શકશે, જેથી એસ.જી. હાઈવે પરની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ તો વાહનચાલકોએ YMCA, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ જંક્શન પર ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.
આશરે રૂ. 464 કરોડના ખર્ચે તૈયાર થયેલો 4.03 કિલોમીટર લાંબો અને 26.8 મીટર પહોળો આ 6-લેન એલિવેટેડ કોરિડોર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જેમાં વાયાડક્ટ પોર્શન 2940 મીટર અને એપ્રોચની લંબાઈ 1090 મીટર છે. ફ્લાયઓવર પરથી પસાર થતા વાહનોના અવાજથી થતા ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા 5880 મીટર લંબાઈમાં ખાસ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. સુરક્ષા અને સુવિધા માટે 297 સ્ટ્રીટ લાઈટો, એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ, ઓવર હેડ અને કેન્ટિલિવર ગેન્ટ્રી, રોડ સેફ્ટી બોર્ડ્સ, કેટ આઈસ, એન્ટીગ્લેર અને 7થી 14 મીટર પહોળાઈ ધરાવતા વાઈટટોપીંગ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે.


