અમદાવાદ : અમદાવાદ-ગાંધીનગરના મુસાફરો અગત્યના સમાચાર આવ્યા છે. અમદાવાદમાં સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન મુસાફરો માટે શરૂ કરવામાં આવશે. 28 નવેમ્બરના રોજ મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેન ઉભી રહેશે. સાબરમતી રેલવે સ્ટેશન જવા માટે આ સ્ટેશન પર મુસાફરો ઉતરી શકશે.અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સ્ટેશન બનશે.
રિપોર્ટ મુજબ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે શુક્રવારે જાહેરાત કરી હતી કે, મેટ્રો નેટવર્ક પર આવેલું ‘સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન’ 28 નવેમ્બર, 2026 થી કાર્યરત થશે. આ સ્ટેશન શરૂ થવાથી મુસાફરો મેટ્રો દ્વારા સીધા સાબરમતી રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે.મુસાફરો સાબરમતી રેલવે મેટ્રો સ્ટેશન પર ઉતરીને રેલવે સ્ટેશન સુધી જઈ શકશે, જેનાથી મેટ્રો અને રેલ નેટવર્ક વચ્ચેની કનેક્ટિવિટી (જોડાણ) વધુ સુધરશે.

GMRCએ સાબરમતી મેટ્રો સ્ટેશનથી વિવિધ સ્થળો માટેની પ્રથમ અને અંતિમ મેટ્રો સેવાના સમયની પણ જાહેરાત કરી છે. APMC તરફ જતી પ્રથમ મેટ્રો સવારે 6:27 વાગ્યે ઉપડશે, જ્યારે મહાત્મા મંદિર તરફ જતી પ્રથમ મેટ્રો સવારે 6:45 વાગ્યે ઉપડશે. GIFT સિટી તરફ જતી પ્રથમ મેટ્રો સવારે 7:11 વાગ્યે ઉપડશે.
APMC તરફ જતી છેલ્લી મેટ્રો રાત્રે 11:10 વાગ્યે ઉપડશે, જ્યારે કોટેશ્વર રોડ તરફ જતી છેલ્લી મેટ્રો રાત્રે 11:32 વાગ્યે ઉપડશે. મહાત્મા મંદિર તરફ જતી છેલ્લી મેટ્રો રાત્રે 9:10 વાગ્યે અને GIFT સિટી તરફ જતી છેલ્લી મેટ્રો સાંજે 6:32 વાગ્યે ઉપડશે.
મેટ્રો ટ્રેનનો વિગતવાર સમયપત્રક 28 નવેમ્બરથી GMRCની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.


