અમદાવાદ : રાજ્ય સરકારે શનિવારે સાંજે એકાએક જંત્રી બમણી કરવાનો ઠરાવ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. સોમવારથી રાજ્યમાં જંત્રીના નવા દરો લાગુ થશે, ત્યારે બિલ્ડર એસોસિયેશન નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. બિલ્ડર એસોસિયેશનના કહેવા મુજબ સરકારના એકાએક નિર્ણયને કારણે એન્ડ યુઝર અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રેડાઈ ગાહેડ બિલ્ડર એસોસિયેશન દ્વારા સરકારના આ નિર્ણયના અમલીકરણમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તેવી સોમવારના રોજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેમ એસોસિયેશન પ્રમુખે જણાવ્યું છે.
રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણા કરતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા હતા. આજે ગુજરાત ક્રેડાઈ દ્વારા વીડિયો કોન્ફરન્સથી બેઠક બોલાવાઈ હતી. ક્રેડાઈના હોદેદારોએ જણાવ્યું હતું, સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો તેનો વાંધો નથી, પરંતું રાતો રાત વધારો ઝીંકી દેવામાં આવ્યો તેની સામે વાંધો છે. જંત્રીમાં ભાવ વધારા પહેલા સર્વે કરવો જોઈએ. બિલ્ડરો અને લોકોને સમય મર્યાદા આપવી જોઈએ. તાત્કાલિક જંત્રીના ભાવ ડબલ કરતા બિલ્ડરો અને મિલકત ખરીદનારા લોકોને મુશ્કેલી થશે. બિલ્ડરોને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોમાં નુકસાની વેઠવી પડશે. જંત્રીના ભાવ વધતા અનેક દસ્તાવેજો અને આર્થિક વ્યવહારો અટક્યા છે. તેથી બિલ્ડર એસોસિએશન રાજ્ય સરકારમાં રજૂઆત કરશે.