અમદાવાદ : શનિવારે સવારના સમયે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં IOC રોડ પર આવેલ શિવમ રો હાઉસમાં પાર્સલ બ્લાસ્ટની ચકચારી ઘટના બની છે. ત્રણ ઈસમો દ્વારા પાર્સલ આપીને ઘરની બહાર બ્લાસ્ટ કર્યો હતો. ત્યારે આ બ્લાસ્ટ પાછળ ચોંકાવનારી હકીકત સામે આવી છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું હતું. પાર્સલ ખોલનાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા એકની હાલત ગંભીર છે.
પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં IOC રોડ શિવમ રો હાઉસમાં આવેલા બળદેવભાઈના ઘરમાં આવેલા એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. રિક્ષામાં ત્રણ ઈસમો આવ્યા હતા. રિક્ષામાંથી રોિમોટનું બટન દબાવ્યા બાદ બ્લાસ્ટ થયું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ બ્લાસ્ટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. તો એક ગંભીર રીતે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
સ્થાનિકોના મતે પાર્સલ નહોતુ મંગાવ્યુ છતાં ઘરે પહોંચ્યુ હતુ. જ્યાં પાર્સલ આપવા આવનારની સાથે અન્ય બે લોકો દૂર રિક્ષામાં પાસે ઉભા હતા. અને જેવું પાર્સલ સોંપાયું તેમાંથી દૂરથી રિમોર્ટ દબાવાયું હતું. જેમાં ખૂબ મોટો વિસ્ફોટ થયો હતો. આ બનાવમાં એક પાંચ વર્ષના બાળકના પગમાં પણ ઈજા થઈ હતી તેવું સ્થાનિકોનું માનવું છે. આમ આ બનાવમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા છે.
આ બ્લાસ્ટ રૂપેણ બારોટે અંગત અદાવતમાં કરાવ્યો હોવાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. જે મહિલા સાથે છુટાછેડા થયા તે મહિલા બળદેવભાઈને ભાઈ માનતી હતી. રૂપેણ બારોટ માનતો હતો કે તેના છૂટાછેડા બળદેવભાઈના કારણે થયા છે. ત્યારે છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવવા માટે પાર્સલ મોકલ્યું. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા માટે ગૌરવ અને અન્ય બે લોકોને મોકલ્યા હતા.
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, ડોગ અને બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચી હતી. સેક્ટર ૧ સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ કેસમાં ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો પ્રાથમિક તપાસમાં રોહન રાવલે પાર્સલ મોકલ્યું હોવાની માહિતી મળી છે.
ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પાર્સલમાં થયેલા બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટ છૂટાછેડાની અદાવત રાખીને કરવામાં આવ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે. તેની તપાસ માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે.