પાવાગઢ : પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ આગામી ચૈત્રી નવરાત્રિ માટે સજ્જ થઈ રહ્યું છે. જગતજનની મા મહાકાળીના ચરણોમાં શીશ ઝુકાવવા માટે દર વર્ષે લાખો ભક્તો અહીં ઉમટી પડતા હોય છે. આ વર્ષે 17 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રિની ઉજવણી થનાર છે, જેને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયગાળામાં અને વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે અને સુચારુ રીતે દર્શન થઈ શકે તે માટે મંદિર વહીવટી તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખ 17 માર્ચથી 2 એપ્રિલ સુધીના સમયગાળા માટે દર્શનનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6:00 કલાકે મંગળા આરતી બાદ ખુલશે અને રાત્રે 8:00 કલાકે મંગલ થશે, એટલે કે ભક્તો સતત 14 કલાક દર્શન કરી શકશે. જ્યારે એકમ, ચોથ, આઠમ, અગિયારસ અને પૂનમ જેવી વિશેષ તિથિઓ પર ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહેલી સવારે 5:00 કલાકે ખોલી દેવામાં આવશે અને રાત્રે 8:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.
ભક્તોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા મંદિર ટ્રસ્ટ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ હોય છે. વહેલી સવારે 5 વાગ્યાથી મંદિર ખુલવાને કારણે પદયાત્રીઓને ડુંગર ચઢવામાં ગરમીનો સામનો ઓછો કરવો પડશે. આ ઉપરાંત ભીડનું વિભાજન યોગ્ય રીતે થવાથી ભક્તોને લાંબી કતારોમાં ઉભા રહેવામાં રાહત મળશે.
મંદિર પરિસર, પગથિયાં માર્ગ અને રોપ-વે જેવી મહત્વની જગ્યાઓ પર CCTV કેમેરા દ્વારા સતત વોચ રાખવામાં આવશે. આ સાથે જ યાત્રાળુઓની સુખાકારી માટે ડુંગર પર ઠેર-ઠેર પીવાના શુદ્ધ પાણીની પરબ અને મેડિકલ કેમ્પની સુવિધા ઉભી કરવામાં આવશે, તેમજ ભીડના અસરકારક નિયંત્રણ અને ભક્તોની સુરક્ષિત અવરજવર માટે ખાસ બેરિકેડ્સ પણ લગાવવામાં આવશે.
પાવાગઢ શક્તિપીઠ ખાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા પાડોશી રાજ્યોમાંથી પણ હજારો પદયાત્રીઓ અને સંઘો ધજા ચઢાવવા માટે આવે છે. આ આંતરરાજ્ય ભક્તોની સુરક્ષા માટે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


