અમદાવાદ : અમદાવાદમાં રામોલ-વસ્ત્રાલ ગત્રાડ રોડ પર આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ વિસ્ફોટ બાદ જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે. લોકરોષથી બચવા માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ શહેરના તમામ 7 ઝોનમાં દોડધામ કરીને 147 સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 30 એકમોને નોટિસ અને 4 એકમોને સીલ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે આ જીવલેણ વિસ્ફોટ જે જગ્યા પર થયો હતો તે ફેક્ટરી ભાડાની જમીન પર ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી, જેથી આ હોનારત બાદ આબરૂ બચાવવા માટે જગ્યાના મૂળ માલિક દ્વારા તાબડતોબ બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર માળખાને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ આકરી ઝુંબેશ બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવશે.
રિપોર્ટ મુજબ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ દ્વારા 19 જુલાઈ, 2026ના રોજ શહેરના તમામ 7 ઝોનમાં દોડધામ કરીને કુલ 147 સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ પ્રકારના ગોડાઉન, વેરહાઉસ, વ્યવસાયિક એકમો અને અન્ય સ્થળોનો સમાવેશ થયો હતો. તપાસ દરમિયાન કુલ 30 નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં 23 વેરહાઉસ/ગોડાઉન અને 7 અન્ય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ૪ એકમો ને સીલ કરવામાં આવ્યા છે. અને આવતીકાલથી આ કાર્યવાહી સઘન ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવશે.
સીલ કરેલ એકમોનું લીસ્ટ
• શ્રી કાંતિભાઈ ચીનીલાલ શ્રીમાળી, સર્વે નંબર 630, વસ્ત્રાલ, ગામ દસક્રોઈ, અમદાવાદ
• શ્રી મોહસીનખાન સિદ્દીકખાન પઠાણ, સર્વે નંબર 143/1, બક્ષીના કુવા પાસે, નબીમીયાનું ખેતર, રામોલ, અમદાવાદ
• શ્રી જીશાનુદીન ઝહીરુદીન સૈયદ, 03/નારોલ
• શ્રી કમરૂદ્દીન બદરરુદ્દીન સૈયદ,”કિંગ ફાયર વર્કસ” સર્વે નંબર 66/3,જુના રાગણી માતાના મંદિર પાસે, ગ્યાસપુર ગામ, વટવા, અમદાવાદ


