અમદાવાદ : શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલથી ગતરાડ રોડ પર આજે એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં 8 લોકોનાં મોત થયાહતા, જ્યારે 15 લોકો દાઝી ગયા જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા વસ્ત્રાલ આરએફએ તાબડતોબ બચાવકામગીરી શરૂ કરી હતી.
રિપોર્ટ મુજબ, વસ્ત્રાલમાં રામોલથી ગતરાડ જતા માર્ગ પર મહેમુદપુરા ટેલેન્ટ પાસે આવેલી ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં આજે અચાનક જોરદાર બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. ફેક્ટરીની અંદર દારૂગોળો હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી.આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બીજી તરફ, તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીનું લાયસન્સ અગાઉ રદ્દ કરી દેવાયું હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહી હતી. આ મામલે તંત્ર દ્વારા ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયા સામે સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે હાલ ફરાર છે. ઘટનાની ગંભીરતાને જોતા અમદાવાદના મેયર અને AMCના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર મામલે પોલીસ તથા ફાયર વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
આ હૃદયદ્રાવક ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકોના પરિજનોને ₹2 લાખ અને પ્રત્યેક ઘાયલ વ્યક્તિને ₹50 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર તરફથી પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોના પરિવારને 50,000ની જાહેરાત કરવામાં આવી છે.


