અમદાવાદ : અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી પરંપરાગત રથયાત્રા મહોત્સવનો સત્તાવાર ત્રિ-દિવસીય કાર્યક્રમ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 14 જુલાઈથી વિવિધ ધાર્મિક અને વૈદિક વિધિઓનો ભક્તિસભર પ્રારંભ થયો છે. જ્યારે મુખ્ય ઉત્સવ એટલે કે અષાઢી બીજના પવિત્ર દિવસે 16 જુલાઈ, ગુરુવારે સવારે 7:00 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી નગરચર્યાએ નીકળશે.
ગત મંગળવારે પ્રથમ દિવસે વહેલી સવારે 6 વાગ્યે ત્રણેય મૂર્તિની ગર્ભગૃહમાં આવેલી પવિત્ર રત્નવેદી પર શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા કર્યા બાદ સૌથી મહત્વની ગણાતી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. સાથે જ મંદિર પર ધ્વજારોહણ કર્યા બાદ મંદિરના કપાટ ખોલાતા દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતાં. હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપીને મહાઆરતી કરી હતી. બાદમાં દેશભરમાંથી આવેલા સાધુ-સંતો માટે ખાસ ભંડારો (મહાપ્રસાદ) તેમજ વસ્ત્રદાન કરાું હતું.
ઉત્સવના બીજા દિવસે એટલે કે 16 જુલાઈની રથયાત્રાની પૂર્વસંધ્યાએ, 15 જુલાઈ, બુધવારે સવારે 10:30 વાગ્યે પ્રભુનો ભવ્ય અને અલૌકિક ‘સોનાવેશ’ શણગાર કરવામાં આવશે, જેના દર્શન માટે લાખો ભક્તો ઉમટી પડશે. આ જ સમયે રથયાત્રાના અગ્રેસર એવા ગજરાજોની (હાથીઓની) વિશેષ પૂજા વિધિ સંપન્ન કરાશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે મંદિરના મુખ્ય પ્રાંગણમાં ત્રણેય પવિત્ર રથોની પ્રતિષ્ઠા કરવામાં આવશે. બપોરે 3:00 વાગ્યે રથ પૂજન તેમજ આરતી અને રાત્રે 8:00 વાગ્યે વિશિષ્ટ પૂજા અને ભક્તિમય સંધ્યા આરતીનું આયોજન થશે.
રથયાત્રાના મુખ્ય દિવસે એટલે કે 16 જુલાઈ, ગુરુવારે સવારે 4:00 વાગ્યે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરિનાદ સાથે વર્ષની સૌથી મહત્વની મંગળા આરતી થશે. ત્યારબાદ સવારે 4:30 વાગ્યે ભગવાનને પરંપરાગત ખીચડી ભોગ ધરાવવામાં આવશે. સવારે 5:30થી 6:00 વાગ્યાના શુભ ચોઘડિયા દરમિયાન ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનો રથમાં શાહી પ્રવેશ કરાવવામાં આવશે. છેલ્લે, સવારે 7:00 વાગ્યે મુખ્ય અતિથિઓ દ્વારા પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભવ્ય અને ઐતિહાસિક 149મી રથયાત્રા નગરચર્યા માટે પ્રસ્થાન કરશે.


