અમદાવાદ : સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગામડાઓમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ હવે શહેરમાં દીપડા ઘૂસી ગયા હોવાની ઘટના બની છે. અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણકારી સામે આવી છે. ગઇકાલે(19 જુલાઈ) મોડી રાત્રે દીપડો સોસાયટીમાં ઘૂસી જતા લોકોમાં ભય ફેલાયો છે.અમદાવાદના ઘુમા વિસ્તારમાં ઘૂસેલા દીપડાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
રિપોર્ટ મુજબ, રવિવારે મોડી રાત્રે શહેરના છેવાડાના વિસ્તાર ઘુમા ગામથી શેલા તરફ જવાના રોડ ઉપર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો હતો. સોસાયટીનો કોટ કૂદી અને દીપડો સોસાયટીમાં આવ્યો હતો. એક યુવતી ગાડી લઈને ત્યાંથી પસાર થતી હતી તેણે પણ આ દીપડાને ત્યાંથી જતા જોયો હતો. સોસાયટીમાં દીપડાના પંજાના નિશાન પણ મળી આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે.જે બાદ તેમણે આ અંગે સોસાયટીના લોકોને જાણ કરી હતી. ઉપરાંત સોસાયટીની સિક્યુરિટી માટે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં દીપડો હોવાની પુષ્ટિ થઈ હતી.
સમગ્ર મામલે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓને જાણ કરી છે. ઘુમા અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ દ્વારા અત્યારે દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.


