અમદાવાદ : અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન અમદાવાદના મહેમાન બન્યા છે. હિલેરી ક્લિન્ટને રવિવારે સેલ્ફ-એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઇલા ભટ્ટને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં લોકમાન્ય તિલક બાગની મુલાકાત લીધી હતી. તેમણે 2022 માં આ બગીચામાં ઇલા ભટ્ટ દ્વારા વાવેલા વડના વૃક્ષની નજીક બનેલા સ્મારક પાસે કહ્યું કે “મારી મિત્ર ઇલાબેનની આ અદ્ભુત સ્મૃતિ બનાવવા જેમણે મહેનત કરી છે તેમણે દેશ અને વિશ્વની મહિલાઓને ઉત્થાન માટે પણ ખૂબ મહેનત કરી છે.”
હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે વધતી ગરમી અનૌપચારિક ક્ષેત્રમાં મહિલા કામદારો માટે એક વધારાનો પડકાર છે. એક વૈશ્વિક ‘ક્લાઈમેટ રિઝિલિયન્સ ફંડ’ આ પડકારને પહોંચી વળવામાં મદદ કરશે. હિલેરી ક્લિન્ટને કહ્યું કે આ સમસ્યા અંગે ચિંતિત જૂથ ક્લાઈમેટ રેઝિલિયન્સ ફંડ શરૂ કરવા એકસાથે આવ્યું છે. વિશ્વમાં આ પ્રકારનું પ્રથમ ફંડ હશે. હિલેરી ક્લિન્ટને જણાવ્યું હતું કે તેમણે SEWA ના ડિરેક્ટર રીમાબેન નાણાવટી સાથે વાત કરી હતી કે વધતી ગરમી એ એક નવો પડકાર છે કારણ કે તે મહિલા ટ્રેડ યુનિયન સભ્યોની દરેક વસ્તુને અસર કરશે.
હિલેરી ક્લિન્ટને વધુમાં જણાવ્યું હતું કે, ‘સેવા’SEWA ની ગ્રામીણ પહેલના ભાગરૂપે હિલેરી ક્લિન્ટલ સોમવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને મીઠું પકવતા અગરિયાઓ સાથે વાતચીત કરશે.