અમદાવાદ : અમદાવાદમાં ફાયર સેફ્ટીને લઈ મોટી સંખ્યામાં તબીઓએ પ્રદર્શન કર્યું. હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન આહના સાથે જોડાયેલા તબીબોએ સૂચક બેનરો સાથે વાહન રેલી યોજી હતી. તબીબોએ ફોર્મ C અને બીયુને ડી લિંક કરવાની માગણી કરી હતી. આ સાથે જ તબીબોએ કહ્યું કે દર્દીઓની સુરક્ષા માટે નર્સિંગ હોમ અને હોસ્પિટલોએ પૂરતા પગલા લીધા છે.
ગત શનિવારે હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન આહના સાથે જોડાયેલા તબીબોએ સૂચક બેનરો સાથે અમદાવાદના આશ્રમ રોડથી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી કાર રેલી કાઢી તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો. તબીબોનો વિરોધ ફોર્મ Cના મુદ્દે છે. અમદાવાદ શહેરમાં આવેલી અઢી હજાર હોસ્પિટલો પૈકી 1200 હોસ્પિટલ 40 વર્ષથી વધુ જૂની છે. પરિણામે BU પરવાનગીના અભાવે અનેક હોસ્પિટલોને તાળા લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભૂતકાળમાં રજાચિઠ્ઠીનો કાયદો અમલમાં હોવાના કારણે સમયાંતરે તેમાં ફેરફાર કરાયા હતા. પરંતુ તબીબો દ્વારા બાંધકામ પરવાનગી અંગે ફેરફાર ન કરાતા હોસ્પિટલો સીલ થવાની સ્થિતિ વચ્ચે તબીબોએ વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશનનો સવાલ છે કે, અન્ય ધંધાર્થી એકમો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. હોસ્પિટલો સામે જ કેમ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકાર BU પરમિશનના કાયદામાં બદલાવ લાવે એવી માંગ તબીબો દ્વારા ઉઠાવાઈ છે.