અમદાવાદ : જંત્રીના દરને લઈને ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીના દરમાં બમણો એટલે કે 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જંત્રીનો આ દર સમગ્ર રાજ્યમાં સોમવારથી લાગુ થશે. રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી 2023માં જંત્રી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેની કામગીરીને લઈને મહેસૂલ વિભાગે સ્ટોક હોલ્ડર્સ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સૂચનો મેળવીને જિલ્લાના તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી.જંત્રીના દરમાં વધારો થતા સામાન્ય નાગરિકોને હવે ઘર ખરીદવા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે કારણ કે, હવે દસ્તાવેજ માટે ડબલ રકમ ચૂકવવી પડશે.
સરકારના જણાવ્યા મુજબ ગુજરાત રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયની જમીનો સ્થાવર મિલકતોની બજારકીમત નકકી કરવા માટેની ગાઈડ લાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નકકી કરવામાં આવે છે. અગાઉ તા.18/04/2011 ના ઠરાવથી જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ )2011ના ભાવો અમલમાં મુકવામાં છે. આ ભાવ છેલ્લા 12 વર્ષથી અમલમાં છે. રાજયમાં થતા ઝડપી વિકાસ અને ઔધોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃતિઓને લીધે બદલાતી પરિસ્થિતી ધ્યાને લેતાં રાજયમાં આ ભાવમાં વધારો થવા પામેલ છે.
ભૂતકાળમાં વિજય રૃપાણીની સરકારે પણ 2019માં જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો ન હતો.