અમદાવાદ : અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ પ્રતાપભાઈ ઝાલાને રૂપિયા 36 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે વડોદરા એસીબીની ટીમે મેમનગરના વિજય ચાર રસ્તા પાસે સફળ છટકું ગોઠવીને ફાયર વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
રિપોર્ટ મુજબ, ફરિયાદ કરનાર જાગૃત નાગરિકે શહેરની 6 જુદી-જુદી બિલ્ડિંગોની ફાયર NOC ગુજરાત સરકારના પોર્ટલ પર મંજૂરી અર્થે મોકલી આપી હતી. આ NOC મંજૂર કરવાના બદલામાં અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે વતી ભાવસિંહ ઝાલા નામના શખ્સે પ્રતિ NOC રૂપિયા 6,000 લેખે કુલ રૂપિયા 6,000ની લાંચની માંગણી કરી હતી.લાંચ આપવા ન માગતા જાગૃત નાગરિકે આ અંગે વડોદરા શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે આજે (7 ઓગસ્ટ) ના રોજ બે સરકારી પંચોની હાજરીમાં મેમનગરના યસ એક્વા કોમ્પ્લેક્સ પાસે રોડ પર એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. ભાવસિંહ ઝાલાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને જેવા રૂપિયા 36,000 સ્વીકાર્યા કે તુરંત જ એસીબીના અધિકારીઓએ તેને ઘેરીને રંગેહાથ ઝડપી લીધો હતો.
ત્યારબાદ ઝાલાએ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરેને ફોન કરતા, ફોન પર ડોંગરેએ પણ આ લાંચની રકમ સ્વીકારવા અંગે સંમતિ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. એસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


