અમદાવાદ : શહેરના ચાંદખેડા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસ કમિશનરની PCB સ્ક્વોડની ટીમ દ્વારા દરોડો પાડીને જુગારધામ ચલાવનાર વ્યક્તિ સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને રોકડા ₹ 2.67 લાખ મળી આવ્યા હતા. પોલીસે હાલ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, પોલીસ કમિશનરની PCB સ્ક્વોડના પીઆઈ જે.પી જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડીયાર નગરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં માલિક જુગારધામ ચલાવી રહ્યો છે. જે બાતમીના આધારે PCB સ્ક્વોડના પોલીસ કર્મચારીઓએ મકાનના પહેલા માળે રૂમમાં દરોડો પાડ્યો હતો. ત્યારે સાત લોકો જુગાર રમતા મળી આવ્યા હતા. ગોદડી પાથરી અને તેમાં પૈસા પાનાનો જુગાર રમાડવામાં આવતો હતો.PCB ની અચાનક રેડની કામગીરીથી સ્થાનિક ગુનાખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે .
આ રેડ દરમિયાન PCB એ મકાનમાલિક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળ પરથી રોકડા ₹ 2,67,300, મોબાઇલ ફોન-08 કિંમત ₹ 1,00,000, ટુ વ્હીલર 03 કિંમત ₹ 2,00,000 સહિત ₹ 5,64,300નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.આ તમામ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


