અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવેલા અનેક ફ્લેટ ટાઇપ મકાનો હવે જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. મકાનોની છત, સ્લેબ, પેરાફિટ અને દીવાલોના ભાગો ધરાશાયી થવાની ઘટનાઓ સમયાંતરે સામે આવી રહી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં આવી ઘટનાઓનું પ્રમાણ વધતું હોવાનું જોવા મળે છે. બીજી તરફ, અનેક જૂની હાઉસિંગ સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં માત્ર બે-પાંચ ટકા જેટલા અસંમત સભ્યોના વિરોધને કારણે સમગ્ર પ્રક્રિયા લાંબી ખેંચાઈ રહી હોવાની ચર્ચાઓ સામે આવી છે.
જૂના મકાનોની હાલતને જોતા રીડેવલપમેન્ટ હવે માત્ર સુવિધા કે મિલકતના મૂલ્ય સાથે જોડાયેલો મુદ્દો નહીં, પરંતુ રહેવાસીઓની સલામતી સાથે જોડાયેલો પ્રશ્ન બની રહ્યો છે. અમદાવાદના સોલા, નારણપુરા, નવા વાડજ સહિત પૂર્વ વિસ્તારની અનેક જૂની સોસાયટીઓમાં મકાનોની જર્જરિત સ્થિતિ અંગે રહેવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
તાજેતરમાં નારણપુરાના શ્રદ્ધાદીપ એપાર્ટમેન્ટમાં ફ્લેટની છતનો મોટો હિસ્સો ધરાશાયી થયાની ઘટના સામે આવી હતી. સદનસીબે પરિવારના સભ્યો તે સમયે બાજુના રૂમમાં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. નવા વાડજના ઉત્સવ એપાર્ટમેન્ટમાં પણ છતનો મોટો ભાગ અચાનક ધરાશાયી થવાની ઘટના બની હતી. નંદનવન એપાર્ટમેન્ટમાં પણ આ વર્ષે છત કે પોપડા ધરાશાયી થવા જેવી અનેક ઘટનાઓ સામે આવી હોવાનું રહેવાસીઓ દ્વારા જણાવાયું છે. ખાસ કરીને ત્રીજા માળે રહેતા પરિવારો માટે પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે અને કેટલીક જગ્યાએ છતમાં સળિયા દેખાઈ રહ્યા હોવાની ફરિયાદો પણ છે.
અમદાવાદની અનેક હાઉસિંગ સોસાયટીઓમાં જૂના મકાનોના રીડેવલપમેન્ટ માટે પ્રક્રિયા ચાલી રહી છે. કેટલીક સોસાયટીઓમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્રક્રિયા હેઠળ બિલ્ડર ફાળવણી સહિતના તબક્કા પણ આગળ વધ્યા છે. બહુમતી સભ્યો રીડેવલપમેન્ટ માટે સંમત હોવા છતાં થોડા સભ્યોની અસંમતિને કારણે પ્રોજેક્ટ અટકી જતો અથવા લાંબો સમય લટકતો હોવાની ચર્ચાઓ ઉઠી છે.
ચર્ચાઓ મુજબ, સોસાયટીના સભ્યોનું કહેવું છે કે જો 90 થી 95 ટકા કે તેથી વધુ સભ્યો રીડેવલપમેન્ટ માટે તૈયાર હોય અને મકાનની હાલત પણ જોખમી હોય, તો માત્ર મુઠ્ઠીભર સભ્યોના વિરોધને કારણે સમગ્ર પ્રક્રિયા વર્ષો સુધી અટકી રહેવી જોઈએ નહીં. બીજી તરફ, અસંમત સભ્યોના અધિકારો અને કાયદેસરની પ્રક્રિયાનું પણ રક્ષણ થવું જરૂરી છે. આથી બહુમતીના નિર્ણય અને વ્યક્તિગત સભ્યોના કાયદેસરના અધિકારો વચ્ચે સંતુલન જાળવીને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સ્પષ્ટ વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.
રીડેવલપમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતો અને સોસાયટીના આગેવાનોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓ અને એસોસિએશન દ્વારા હવે આક્રમક વલણ અપનાવવાની માંગ ઉઠી રહી છે.રીડેવલપમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારોના મતે, જ્યાં મકાનની સ્થિતિ અત્યંત જર્જરિત હોય અને રીડેવલપમેન્ટ માટે બહુમતી સભ્યો સંમત હોય, ત્યાં અસંમતિ ધરાવતા સભ્યો પાસેથી તેમની સ્થિતિ અંગે લેખિત ખુલાસો અથવા બાંહેધરી લેવાની ચર્ચા થઈ રહી છે. આવી બાંહેધરીમાં તેઓ રીડેવલપમેન્ટ સામે શા માટે વાંધો ધરાવે છે અને મકાનની વર્તમાન સ્થિતિ અંગે તેમની ભૂમિકા શું છે તે સ્પષ્ટ કરાવવામાં આવે તેવી માંગ છે.
કેટલાક લોકો દ્વારા અસંમત સભ્યોનો સામૂહિક બહિષ્કાર કરવા અથવા રીડેવલપમેન્ટમાં અવરોધ નહીં ઊભો કરે તેવી ખાતરી લેવાની વાત પણ કરવામાં આવી રહી છે. કેટલાક સભ્યો અને આગેવાનોનું માનવું છે કે જો જર્જરિત મકાનમાં અકસ્માત થાય તો માત્ર બહુમતી સભ્યો જ નહીં, પરંતુ રીડેવલપમેન્ટમાં સતત અવરોધ ઊભો કરનારા સભ્યોની ભૂમિકા અંગે પણ જવાબદારી નક્કી થવી જોઈએ.
હવે સમય આવી ગયો છે કે હાઉસિંગ સોસાયટીઓ અને તંત્ર જાગૃત થાય. રીડેવલપમેન્ટ અટકાવતા અસંમત સભ્યોની સીધી કાયદાકીય અને નાણાકીય જવાબદારી નક્કી કરવામાં આવે જેથી સેંકડો પરિવારોને કાળમુખી જર્જરિત છતમાંથી મુક્તિ મળી શકે અને સુરક્ષિત આશરો મળી રહે.
રીડેવલપમેન્ટમાં જવાબદારી મામલે ગુજરાત હાઉસિંગ વસાહત મંડળ શું કહે છે…?
અમદાવાદ : હાઉસિંગ વસાહત મંડળ એવું વિચારે છે કે આજકાલ વરસાદના કારણે જુના 35 કે 30 વર્ષ જૂના કે જેમાં મોટાભાગના એલઆઇજી અને એમઆઇજીના મકાનોમાં ધાબા કે છત પડવાના અથવા તો તેના ગાબડા પડવાના અથવા ગેલેરી પડવાના બનાવો બન્યા કરે છે પરંતુ પ્રભુ કૃપાથી કોઈ જગ્યાએ જાનહાનિ થઈ નથી. જે સોસાયટીઓમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બિલ્ડરો ફાળવી દેવામાં આવ્યા હોય અને બહુમતી લોકોએ તેમાં સહમત થવા તૈયાર હોય ત્યારે અસહમત સભ્યો કે જેમાં ઘણા ગણ્યાગાઠા લોકો પોતાના અંગત સ્વાર્થ ખાતર મહત્તમ ડેવલોપર તરફથી કે હાઉસિંગ બોર્ડ તરફથી તેના નિયમ મુજબ મળવા પાત્ર હોય તે બધું આપતા હોવા છતાં અમલીકરણ થઈ શકતું નથી.
એટલું સારું છે કે સરકાર દ્વારા જે મકાનો જર્જરીત જાહેર થઈ ગયા છે.લોકોની ફરિયાદ મુજબ, અમે બધા તૈયાર છીએ અમારા ધાબાઓને ગેલેરી જર્જરીત થઈ ગયા છે ગમે ત્યારે અકસ્માત થવાની તૈયારી છે તેવા સંજોગોમાં કેટલાક અસહમત સભ્યના કારણે યોજનાઓ અટકી પડી હોય તો આવી સોસાયટીઓમાં જો કોઈ આકસ્મિક બનાવ બને તો તેની જવાબદારી રીડેવલપમેન્ટમાં નડતરરૂપ બનનારના ઉપર નાખવી જોઈએ, તો જ રીડેવલપમેન્ટ સરળ બનશે અને જાનહાની ટાળી શકાશે. બીજું ખાસ કે એલઆઈજી અને એમઆઈજીમાં રહેતા વસાહતીઓમાં મોટાભાગનાની આર્થિક સક્ષમતા નથી તેથી પોતાના ધાબા, ગેલરીયો કે મકાનને સંપૂર્ણપણે ખર્ચો કરીને સુરક્ષિત બનાવી શકે તેમ નથી તો આ વાતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન થાય તે વાત ખાસ નોંધ લેવી જોઈએ એવું મારું નમ્ર સુચન છે…
મંડળના મતે, હાલની પરિસ્થિતિમાં મુદ્દો માત્ર ‘કોણ રીડેવલપમેન્ટ માટે સંમત છે અને કોણ અસંમત’ એટલો જ નથી. મુદ્દો એ પણ છે કે જર્જરિત મકાનમાં રહેતા પરિવારની સલામતી કેટલી વધુ રાહ જોઈ શકે? ચોમાસામાં છત, ધાબા કે ગેલેરીના ભાગો પડવાની ઘટનાઓ ભવિષ્યમાં મોટી દુર્ઘટનામાં ન ફેરવાય તે માટે રીડેવલપમેન્ટની ઝડપી, પારદર્શક અને કાયદેસરની પ્રક્રિયા તથા રહેવાસીઓની સુરક્ષા—બન્નેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂર છે.


