અમદાવાદ : ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પહેલા એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર નેતા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે અને જેમાં અહેવાલો મુજબ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આગામી ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
રિપોર્ટ મુજબ, કોંગ્રેસ હાઈકમાન્ડ શંકરસિંહ વાઘેલાને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતાડવાની મહત્વની જવાબદારી સોંપી શકે છે. માત્ર સ્થાનિક ચૂંટણી જ નહીં, પરંતુ આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ કોંગ્રેસ પોતાની રણનીતિ મજબૂત કરી રહી છે, જેમાં ‘બાપુ’ (શંકરસિંહ વાઘેલા)ની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક બની રહેશે.છેલ્લા ઘણા સમયથી સક્રિય રાજનીતિથી થોડા દૂર રહેલા શંકરસિંહ બાપુ હવે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
છેલ્લા થોડા સમયથી કોંગ્રેસના પ્રભારી રણદીપ સૂરજેવાલા સતત ગુજરાત પ્રવાસે છે. અને તેની સાથે જ રણદીપ સૂરજેવાલા અને શંકરસિંહ વાઘેલા સાથે સતત સંપર્કમાં છે. અને તેના જ કારણે હવે સૂત્રોના હવાલાથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા કેટલાયે સમયથી નબળી પડી રહેલી કોંગ્રેસ હવે કોઈ એવા નેતાને લાવવા માંગે છે જે પાર્ટીને ફરી મજબૂત કરવા મદદ કરે.
જે રીતે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રદર્શન સતત બગડી રહ્યું છે, તે જોતા આગામી ગાંધીનગરની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે કોઈ અનુભવી અને રાજકીય વગ ધરાવતા નેતાની જરૂર છે. જેના કારણે પણ શક્યતાઓ પ્રબળ છે કે શંકરસિંહ બાપુ કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે.


