અમદાવાદ : શહેરના વાસણા વિસ્તારમાં ચોર ટોળકીનો અનોખો પ્રકાર સામે આવ્યો છે. અમદાવાદ વાસણા પોલીસે AMCના નકલી કર્મચારીઓ અને ક્રેન ઝડપી પાડી છે.આરોપીઓ નકલી AMCના કર્મચારી બની જેકેટ પહેરી જાહેર રોડ પરથી BSNLનું ડક ખોલીને કોપરના વાયરની ચોરી કરતા ઝડપાયા હતા. આરોપીઓ વાસણામાં જાહેર રોડ પરથી ક્રેન વડે BSNLનું ડક તોડીને લાખોના વાયરની ચોરી કરતા ઝડપાયા છે. વાસણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, વાસણા વિસ્તારમાં જીબી શાહ કોલેજ પાસે જાહેર રસ્તા પર કોપર વાયરની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. વાસણામાં જી.બી શાહ કોલેજ પાસે BSNLનું ડક છે. જ્યાં મોડી રાતે કેટલાક લોકો AMCના કર્મચારી બની ક્રેન લઈને આવ્યા હતા, જેમણે હેલ્મેટ અને રિફ્લેક્ટર જેકેટ પહેર્યું હતું. આ તમામ લોકોએ ભેગા મળીને BSNLનું ડક તોડીને તેમાંથી કોપરના વાયર ભાડે લીધેલી ક્રેન વડે કાઢી ચોરી કરી રહ્યા હતા.કોઈને શંકા ન જાય માટે AMC વાળા રેડિયમ જેકેટ પહેરી રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા જોવા મળ્યા.
પોલીસ તપાસમાં લગભગ 7 લાખના કોપરની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. BSNL કોપર વાયરની ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપાઈ છે. વાસણા પોલીસે આ ગેંગને રંગે હાથ ઝડપીને ચાર આરોપી ધરપકડ કરી છે. 8થી વધુ લોકોની ટોળકી દ્વારા કોપરની વાયરની ચોરી કરતા હતા. વાસણા પોલીસે રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડને પકડી પાડ્યા છે. આરોપીઓએ અન્ય કોઈ જગ્યાએ ક્રેન વડે ચોર કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.


