અમદાવાદ : રક્ષાબંધનના તહેવાર દરમિયાન રજાનો માહોલ જોવા મળે છે. ત્યારે લોકો વતન તરફ પણ નાના-મોટા ફરવાના અથવા તો યાત્રાધામ જવા માટે એસ.ટી બસનો ઉપયોગ કરતા હોય છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર માટે GSRTC દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે લોકોને મુસાફરીમાં કોઇ તકલીફો ન પડે તે માટે ગુજરાત એસટી દ્વારા રક્ષાબંધનના દિવસે વધારાની 500 બસ દોડાવવામાં આવશે. જે રાજ્યભરમાં 2000થી વધુ ટ્રીપ લેશે.આ સાથે જો કોઈ ગ્રુપ ફરવા માટે બુકીંગ કરાવશે તો તે માટેની પણ સુવિધા GSRTC આપશે.
રાજ્યમાં તહેવારોને કારણે વિવિધ શહેરો તરફ મુસાફરોની અવર જવર વધી જાય છે. ત્યારે આ તહેવારો માટે એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરો અને નાના મોટા શહેરોમાં 500 જેટલી એસટીની વધારાની બસો દોડાવવામાં આવશે. આ બસો રાજ્યભરમાં 2000થી વધુ ટ્રીપ લેશે. વધારાની બસો તા. 28થી 9 સપ્ટેમ્બર સુધી દોડાવામાં આવશે. આ સાથે જો કોઈ ગ્રુપ ફરવા માટે બુકીંગ કરાવશે તો તે માટેની પણ સુવિધા GSRTC આપશે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન વધારાની બસોના સંચાલન દ્વારા એસટી નિગમ અંદાજે રૂ. 80 લાખથી વધુની આવકનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. રાજ્યના મોટા શહેરો એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા ઉપરાંત મહત્વના બસ સ્ટેન્ડ પરથી સૌરાષ્ટ્ર તરફ મધ્ય ગુજરાત તરફ મુસાફરનો ઘસારો વધારે જોવા મળતો હોય છે.
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ તહેવાર ઉજવવામાં આવે છે. જોકે, આ વખતે રક્ષાબંધનના તહેવારની ઉજવણી 30 ઓગસ્ટે કરવી કે 31 ઓગસ્ટના રોજ કરવી તેને લઇને લોકો થોડા અસમંજસ છે. કેટલાક જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે જ મુહૂર્ત છે. બીજી તરફ કેટલાક જ્યોતિષીઓનું માનવું છે કે, ધાર્મિક રીતે 31 ઓગસ્ટ-ગુરુવારના આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને સમગ્ર દિવસ શુદ્ધ છે. શક્તિપીઠ અંબાજી, ડાકોરમાં 31 ઓગસ્ટના જ શ્રાવણ પૂર્ણિમા ઉજવાશે. હિન્દુ ધર્મમાં રક્ષાબંધન પર્વ પર શુભ મુહૂર્ત જોઈને જ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. રાખડી બાંધવી એ માત્ર એક રિવાજ નથી પણ ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતિક છે.