ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી સમારંભોના કારણે દેશ-વિદેશના મહાનુભાવોનુ આવાગમન થતું રહે છે. જેના કારણે ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના કર્મચારીઓએ ફરજ પર ખડે પગે રહેવું પડે છે. વીવીઆઈપીનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો હોય ત્યાં પીઆઈથી માંડીને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ બંદોબસ્ત માટે દોડવું પડે છે. જેથી હવે ગાંધીનગર પોલીસની રોજની કામગીરીમાં વિક્ષેપ થાય નહીં તે માટે પ્રોટોકોલ વિભાગ ઊભો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ મહોત્સવ, વિવિધ સમિટ-એક્ઝિબિશન દરમિયાન ગાંધીનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોએ એલર્ટ થઈ જવું પડે છે. વીઆઈપી મહાનુભવોનો કાફલો જે રૂટ પરથી પસાર થવાનો હોય ત્યાં સ્થાનિક પોલીસ મથકના પીઆઈથી લઇને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ રોજિંદી કામગીરી અટકાવીને બંદોબસ્ત માટે દોડવું પડે છે.જોકે, હવે સ્થાનિક પોલીસને રોડ ઉપર ઉભા રહેવુ પડશે નહિ અને નાગરિકોના કામ પણ ઝડપી થશે.
નવી બ્રાન્ચમાં કુલ 161 પોલીસ કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમાં 1 ડિપ્યુટી એસપી, 3 પોલીસ ઇન્સ્પેક્ટર, 10 PSI અને 147 પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. આ ટુકડી ખાસ કરીને VIP અને VVIP મૂવમેન્ટ માટે જ જવાબદાર રહેશે, જેનું વડપણ ડિવાયએસપી કરશે.નવા વિભાગની રચનાથી સામાન્ય પોલીસ કામગીરી ખોરવાશે નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચમાં કામ કરતી ટીમના સભ્યો માત્ર VIP બંદોબસ્તની ફરજ બજાવશે અને અન્ય કોઈ કામગીરીમાં સંકળાશે નહીં.
ગાંધીનગર પ્રોટોકોલ શાખામાં સ્વેચ્છાએ ફરજ બજાવવા માગતા હથિયારી PSI પાસે અધિક પોલીસ મહાનિદેશક હથિયારી એકમોની કચેરી તરફથી અરજી મંગાવવામાં આવી હતી. સ્વચ્છ સેવાકીય રેકોર્ડ ધરાવતા હથિયારી PSIના રિપોર્ટ મેળવી સ્પષ્ટ અભિપ્રાય સાથે રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. નવી પ્રોટોકોલ શાખામાં રાજ્યના પોલીસ કર્મચારીઓ ઉપરાંત એસઆરપી જૂથનો પણ સમાવેશ કરવામાં આવશે.
ગાંધીનગર, રાજ્યની રાજધાની હોવાથી અહીં VIP અને VVIPની અવરજવર સતત રહે છે. વારંવાર બદલાતા પ્રોટોકોલ અને સુરક્ષાના માપદંડોને કારણે ખાસ વ્યવસ્થાની જરૂર હતી. નવી બ્રાન્ચ દ્વારા આ જરૂરીયાતોને પૂરી કરવા માટે એક વ્યાવસાયિક અભિગમ અપનાવવામાં આવ્યો છે.