અમદાવાદ : ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું તે લોકો માટે એક પડકાર બની ગયો છે. પરંતુ હવે ગુજરાતમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ ઈચ્છુકો માટે રાહતના સમાચાર છે. આવતીકાલ એટલે કે 7 જુલાઇથી ઘેર બેઠાં લર્નિંગ લાયસન્સ કાઢી શકાશે.કારણ કે RTOએ આવતીકાલથી (7 જુલાઈ, 2025)થી “ફેસલેસ” લર્નિંગ લાઇસન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેના દ્વારા અરજદારો ઘરે બેઠા જ ઓનલાઇન ટેસ્ટ આપીને લર્નિંગ લાઇસન્સ મેળવી શકશે. આ નવી સુવિધા આધાર બેઝ્ડ e-KYC પ્રક્રિયા દ્વારા કાર્યરત થશે, જેનાથી RTO ઓફિસમાં વારંવાર ખાવા પડતા ધક્કા અને ત્યાં પહોંચીને પણ લાંબી લાઇનોમાં ઊભા રહેવાની મુશ્કેલીનો અંત આવશે.
વાહનવ્યવહાર કમિશનરની કચેરીના જણાવ્યાનુંસાર, આ સેવાનો લાભ આવતીકાલથી (7 જુલાઈ, સોમવાર) રાજ્યભરના અરજદારો ઘરે બેઠા જ લઈ શકશે. પરીક્ષા આપવા માટે અરજદારોનો નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે, જેથી મોબાઇલ નંબર પર ઓટીપી આવશે અને તેના આધારે ઓનલાઇન ટેસ્ટ આપી શકાશે. ફેસલેસ સેવાની સાથે-સાથે પરંપરાગત ઓફલાઇન પદ્ધતિ પણ ચાલુ રહેશે. જે લોકો ઓનલાઇન સેવાનો લાભ લેવા ન ઇચ્છે અથવા ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરે, તેઓ RTO ઓફિસમાં જઈને લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી શકશે.
આ નવી પહેલ હેઠળ, અરજદારો ઘરે બેઠા ઓનલાઇન પોર્ટલ પર જઈને લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરી શકશે. આધાર કાર્ડના આધારે e-KYC દ્વારા અરજદારોની ઓળખની ચકાસણી થશે, અને બાદમાં ઓનલાઇન ટેસ્ટ આપી શકશે. આ ટેસ્ટમાં ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી અને વાહન ચલાવવાના મૂળભૂત જ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે. સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરનાર અરજદારોને લર્નિંગ લાઇસન્સ ડિજિટલ ફોર્મેટમાં આપવામાં આવશે. જોકે પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હજુ પણ ફરજિયાતપણે RTO ઓફિસ જવાનું રહેશે.
ગુજરાતમાં દર વર્ષે લાખો લોકો લર્નિંગ લાઇસન્સ માટે અરજી કરે છે, અને RTO ઓફિસમાં લાંબી કતારો અને સમયનો વ્યય થવો સામાન્ય બાબત છે. ફેસલેસ સેવા શરૂ થવાથી નાગરિકોનો સમય અને મહેનત પણ બચશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના લોકો માટે આ સુવિધા વરદાન સાબિત થશે. આ ઉપરાંત, ડિજિટલ પ્રક્રિયા પારદર્શિતા વધારશે અને ભ્રષ્ટાચારની શક્યતાઓ ઘટાડશે.
ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી સાધનો…
લેપટોપ, ડેસ્કટોપ અથવા કમ્પ્યુટર
વેબકેમ અથવા કેમેરો
હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન
મોબાઇલનો ઉપયોગ કરી શકાય, પરંતુ ફ્રન્ટ કેમેરાનું રિઝલ્ટ ક્લિન હોવું જરૂરી
કેવી રીતે અરજી કરવી?
સૌથી પહેલા www.parivahan.gov.in વેબસાઇટ પર જાઓ.
આધાર કાર્ડની વિગતો દ્વારા તમારી ઓળખની ચકાસણી કરો.
અરજી કર્યાના સાત દિવસમાં ફરજિયાતપણે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જુઓ.
ટ્રાફિક નિયમો અને સલામતી અંગેનો ઓનલાઇન ટેસ્ટ આપો.
ટેસ્ટ પાસ કર્યા બાદ લર્નિંગ લાઇસન્સ ડિજિટલી ડાઉનલોડ કરો.