ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે રાજ્ય સરકારે આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. 2006 કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ અનેકગણી છે.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. 1331 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈવૈશ્વિક ફલક પર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકરમાં ફેલાયેલું ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં 12000ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, 24000ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને 18000ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે.
રાજ્યના અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સની વિગતો આપતા પ્રધાને જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં 143 એકર વિસ્તારમાં 50000 ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે 135 એકરમાં 17500 ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ‘ઓલિમ્પિક ગેમ્સ વિલેજ’ બનાવવામાં આવશે.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા કહ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 165 કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હોકીની રમતને વધુ વેગ આપવા માટે રૂ.90 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
વર્ષ 2010 માં પ્રારંભ થયેલા ‘ખેલ મહાકુંભ’માં રમતવીરોની સંખ્યા 16.50 લાખથી વધીને આજે વર્ષ 2025-26 માં 72 લાખ સુધી પહોંચી છે. ઈન સ્કુલ યોજના હેઠળ રાજ્યની 230 શાળાઓમાં 1.29 લાખથી વધુ બાળકોને તાલીમ મળી રહી છે. જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) પાછળ વાર્ષિક રૂ. 95 કરોડનો ખર્ચ કરી 5300 થી વધુ બાળકોને તાલીમ આપી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ 170 અને રાજ્ય કક્ષાએ 1938 મેડલ જીત્યા છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા યોજાતી રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં આજે ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. વર્ષ 2024-25 ની ૬૮મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગુજરાતના રમતવીરોએ 32 ગોલ્ડ, 31 સિલ્વર અને 54 બ્રોન્ઝ સાથે કુલ 117 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
સરકારે ગ્રંથાલયોના આધુનિકીકરણ માટે રૂ. 187 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં આદિવાસી વિસ્તારોમાં 12 નવી લાઈબ્રેરી અને 16 સોલાર પાવર આધારિત લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવશે. સાહિત્યકારો માટે ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ની રકમ રૂ. 1 લાખથી વધારીને રૂ. 2 લાખ અને ‘યુવા ગૌરવ પુરસ્કાર’ની રકમ રૂ. 51 હજારથી વધારીને રૂ. 1 લાખ કરાઈ છે.


