અમદાવાદ : ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. જયાપાર્વતીના વ્રત અત્યારે હાલમાં નાની નાની બાળકીઓ અને યુવતીઓ કરી રહ્યા છે. ત્યારે શનિવારે વ્રતનો છેલ્લો દિવસ અને જાગરણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુવતીઓ અને બાળકીઓ આખી રાત જાગરણ કરી શકે તે માટે પરિવાર સાથે જાગરણ કરી શકે તે માટે કાંકરિયા પરિસરને રાત્રે ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
નાની બાલિકાઓ અને યુવતીઓ દ્વારા આ વ્રત કરવામાં આવતું હોય છે. આગામી ગુરુવારે ગૌરી વ્રતનું જાગરણ અને શનિવારે જયાપાર્વતી વ્રતનું જાગરણ છે રાત્રિના સમયે જાગરણ હોવાના કારણે ગુરુવારે કાંકરિયા બાલવાટીકા પરિસર રાત્રે 12 વાગ્યા સુધી અને શનિવારે જયાપાર્વતીના વ્રતને લઈને રાત્રે ત્રણ વાગ્યા સુધી કાંકરિયા પરિસરને ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાગરણના દિવસે સાંજે 7 વાગ્યા બાદ મહિલાઓ અને બાલિકાઓને વિના મૂલ્યે કાંકરિયા પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે.