અમદાવાદ : દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે શહેરના નારણપુરા વિસ્તારમાં હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્યો દ્વારા તિરંગાયાત્રા યોજવામાં આવી હતી અને તિરંગા યાત્રા બાદ શાસ્ત્રીનગર મેદાન ખાતે હાઉસીંગના રહીશોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે સવારે નારણપુરામાં “હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશન” નાં સભ્યો દ્વારા ડીજેના તાલે દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી.આ તિરંગા યાત્રા નારણપુરાના શાસ્ત્રીનગર, શાંતી એપાર્ટમેન્ટ, શ્રધ્ધાદીપ એપાર્ટમેન્ટ, મંગલમૂર્તી, અમર એપાર્ટમેન્ટ,સુરમ્ય એપાર્ટમેન્ટ 132 ફૂટ રીંગરોડ, પલ્લવ ચાર રસ્તા, પ્રગતીનગર ગાર્ડન ચાર રસ્તા, નીધી એપાર્ટમેન્ટ, વરદાન ટાવર થઈને શાસ્ત્રીનગર મેદાન ખાતે સંપન્ન થઇ હતી. હર ઘર તિરંગા અભિયાન ઉજવણીના ભાગરૂપે 1100 જેટલા રાષ્ટ્રધ્વજ (તિરંગા) નું વિતરણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં રહીશોએ સ્વેચ્છાએ ભાગ લીધો હતો.
હાઉસીંગ એપાર્ટમેન્ટ રિડેવલપમેન્ટ ફેડરેશનના સભ્ય સંદિપ ત્રિવેદીએ જણાવ્યું હતું કે હાઉસીંગ રહીશોની એકતા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવનાર દરેક રહીશનો ફેડરેશનના સભ્યો વિશાલ કંથારીયા, મનુભાઈ ચૌધરી, રમેશભાઈ શર્મા તથા અન્યો આભાર વ્યક્ત કરે છે.