અમદાવાદ : અમદાવાદમાં હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. અમદાવાદમાં વધુ એક વખત બેફામ દોડતા ટ્રકે માસુમનો જીવ લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે SP રીંગ રોડ પર આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલક યુવાનને ટક્કર મારી હતી. ટક્કર બાદ યુવાન હવામાં ઉછળ્યો હતો અને તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે યુવક ટ્યુશન જવા માટે નીકળ્યો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો છે. મૃતક વિદ્યાર્થી સાઇન્સ સિટી થી ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના સાયન્સ સિટીમાં રહેતો તનય પટેલ નામનો 18 વર્ષીય વિદ્યાર્થી એક્ટિવા લઈને ઘરેથી DPS બોપલ સ્કૂલ તરફ જતો હતો. તનય એસપી રીંગ રોડ પર આવેલા શીલજ સર્કલ ખાતે પહોંચ્યો, ત્યારે એક ટ્રકચાલકે તેને ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ તનય એક્ટિવા સાથે જમીન પર પટકાયો હતો, જેના કારણે માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત થતા જ ટ્રકચાલક ટ્રક મૂકીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગતરોજ (30 જુલાઈ) શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષનો જીવ લીધો હતો. આદિત્યસિંહ રાઠોડે કાર પૂરપાટ ઝડપે ચલાવી એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
આ અગાઉ અમદાવાદમાં એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અખબારનગર અંડરપાસ પાસેની આ ઘટના છે. કારચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા તે અંડરપાસના દરવાજા સાથે અથડાયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી.