અમદાવાદ : અમદાવાદમાં ન્યૂ યરની ઉજવણી પહેલા જ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના SG હાઈવે પર અચાનક જ ચેકિંગ કરવામાં આવ્યું હતું. SOGની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહનચાલકોને તપાસવામાં આવ્યા હતા. જોકે, સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે આજે SOG દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈપણ નશો કરનાર મળી આવ્યો નહોતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ SOG દ્વારા ન્યૂ યરની ઉજવણી પહેલા જ શહેરમાં પાર્ટી કરનાર કે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનાર શખસોને પકડવા માટે એસ.જી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન SOG દ્વારા અનેક મોંઘીદાટ ગાડીઓને રોકીને ડ્રાઈવરનું કીટ વડે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનું તરત જ રિઝલ્ટ પણ મળતું હતું. ન્યૂ યરની પાર્ટીમાં યુવાઓ નશાના ચક્કરમાં ના ફસાય, તે માટે SOG દ્વારા ચાર અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું.
હવે પોલીસે નશાખોરોને પડક્વા માટે આધુનિક કીટનો ઉપયોગ કર્યો છે, જેમાં સલાઈવા (લાળ)ના નમૂનાથી જ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે જાણ થઈ જશે, એ પણ માત્ર પાંચ મિનિટમાં. થર્ટી ફર્સ્ટ આવતા નશાકારક પ્રદાર્થોનું સેવન વધી જતું હોય છે જેને રોકવા માટે અમદાવાદ SOGની વિવિધ પોલીસ ટીમો દ્વારા આધુનિક સલાઈવા કીટનો ઉપયોગ શરૂ કર્યો છે.
અમદાવાદમાં ન્યૂ યરના સ્વાગતમાં નશાનું ગ્રહણ ન લાગે તે માટે અમદાવાદ SOG દ્વારા અત્યારથી જ કમર કસી લેવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે યુવા ડ્રગ્સ, ચરસ કે ગાંજાના નશામાં રસ્તા પર ન ઉતરે તે માટે SOGએ FSLની મદદથી શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ખાસ ડ્રાઈવ 25મી ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે જે વર્ષના અંત એટલે કે 31 ડિસેમ્બર સુધી ચાલશે.


