અમદાવાદ : ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ (Amit Shah) આજે અમદાવાદ (Ahmedabad) ની જનતાને આરોગ્ય ક્ષેત્રે એક મહત્વની ભેટ આપી છે. અમદાવાદની GMERS મેડિકલ કોલેજ સંલગ્ન સોલા સિવિલ હોસ્પિટલ ખાતે અમિતભાઈ શાહના હસ્તે અત્યાધુનિક મોબાઈલ બ્લડ કલેક્શન વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સુવિધા કાર્યરત થવાથી અમદાવાદ અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે લોહીની ઉપલબ્ધતા વધુ સરળ બનશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની સાંસદ ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલી આ મોબાઇલ બ્લડ કલેક્શન વાન આધુનિક તબીબી ટેકનોલોજીથી સજ્જ છે. સોલા સિવિલ હોસ્પિટલ, જે ઉત્તર અમદાવાદ અને હાઈવે પર થતા અકસ્માતના દર્દીઓ માટે જીવાદોરી સમાન છે, ત્યાં આ વાન આવવાથી આરોગ્ય સેવાઓને એક નવો વેગ મળશે. આ વાન માત્ર એક વાહન નથી, પરંતુ ચાલતી-ફરતી બ્લડ બેંક છે જે રક્તદાન પ્રક્રિયાને વધુ આધુનિક અને સુરક્ષિત બનાવશે.આ અત્યાધુનિક વાન અનેક રીતે દર્દીઓ અને હોસ્પિટલ તંત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થશે:
આ વાન દ્વારા શહેરના છેવાડાના અને વંચિત વિસ્તારોમાં જઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી શકાશે. જેના કારણે રક્ત એકત્રીકરણની પ્રક્રિયા સરળ બનશે અને ઈમરજન્સી સમયે લોહીની જરૂરિયાતને ઝડપથી પૂરી કરી શકાશે.બાળકોના આરોગ્યની વિશેષ કાળજી લેતા, હોસ્પિટલને (નિયોનેટલ) વેન્ટિલેટરનું પણ લોકાઅર્પણ કરવામાં આવ્યું હતું. આ વેન્ટિલેટર અત્યંત ગંભીર હાલતમાં રહેલા નવજાત શિશુઓને તાત્કાલિક જીવનરક્ષક સારવાર પૂરી પાડવામાં પથદર્શક સાબિત થશે.
આ નવી સુવિધાઓ ગુજરાતની આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને મજબૂત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અત્યાધુનિક સાધનોના ઉમેરાથી સામાન્ય નાગરિકોને ઘર આંગણે શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. આ લોકાર્પણ સમારોહમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, સ્થાનિક ધારાસભ્ય, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તબીબો અને કર્મયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


