અમદાવાદ : ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો, જાતિસૂચક લખાણ કે ચિહ્નો પ્રદર્શિત કરી શકાશે નહીં. વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ માટે રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને નવી જોગવાઈ અમલમાં મૂકી છે. નવા નિયમો અનુસાર ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર ઉપરાંત બસ અને ટ્રક સહિત તમામ પ્રકારનાં ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.
રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત 17 નવેમ્બર, 2026 ના રોજ સત્તાવાર રીતે ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. આ નવા સુધારા અંતર્ગત મોટર વાહન નિયમોના નિયમ 125 ના પેટાનિયમ (1) માં અગાઉ રહેલા ‘No advertising device, figure’ શબ્દોના સ્થાને હવે ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ થાય છે કે વાહનો પર જાહેરાતના ઉપકરણો અને આકૃતિઓ અંગેની જોગવાઈમાં હવે જાતિ દર્શાવતા સંકેતોનો પણ સ્પષ્ટપણે સમાવેશ કરી લેવાયો છે.
આ ઉપરાંત, નિયમ 138 માં પેટાનિયમ (2) પછી એક નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે અન્ય કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.
આ નિર્ણયનું મહત્ત્વ એ છે કે અત્યાર સુધી ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા શબ્દો અને ચિહ્નોના પ્રદર્શન અંગે હવે મોટર વાહન નિયમોમાં સ્પષ્ટ જોગવાઈ ઉમેરવામાં આવી છે. જેના કારણે વાહનો પર કયા પ્રકારનાં લખાણ કે ચિહ્નો પ્રદર્શિત કરી શકાય અને કયા નહીં તે અંગે નિયમન વધુ સ્પષ્ટ બનશે. જોકે, રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમ દ્વારા જરૂરી અપવાદોને મંજૂરી આપી શકશે.
ઉલ્લેખનીય છે કે આ સુધારાના મુસદ્દા નિયમો અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસની અંદર વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યાં હતાં. જોકે, નિર્ધારિત સમયગાળા દરમિયાન સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત થયું નહોતું. જેના પગલે હવે રાજ્ય સરકારે અંતિમ નિયમો જાહેર કર્યા છે.


