અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આગામી બજેટ તૈયાર કરવા માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં કોર્પોરેશનને 33 વિભાગોને લગતા કુલ 2,007 સૂચન પ્રાપ્ત થયા છે. આ સૂચનોમાં રોડ-રસ્તા, પાણી અને ગટર જેવી ફરજિયાત સેવાઓ ઉપરાંત નાગરિકો માટેની અન્ય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.આ મુદ્દાઓને લગતા કુલ 536 સૂચનો મળ્યા છે.
AMC સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે, AMC દ્વારા દર વર્ષે બજેટ તૈયાર કરતી વખતે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના અભિગમ સાથે નાગરિકોની જરૂરિયાત અને સૂચનોને પ્રાધાન્ય આપવામાં આવે છે.આગામી બજેટમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કોર્પોરેશન દ્વારા નાગરિકો પાસેથી પોતાના વિસ્તાર અને શહેરના વિકાસ માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ઈ-મેલ અને પત્ર મારફતે કુલ 2,007 સૂચનો મળ્યા છે.
શહેરીજનોએ સૌથી વધુ પ્રાથમિક સુવિધાઓ પર ભાર મૂક્યો છે. જેમાં રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે 536 સૂચનો તેમજ લાઈટ વિભાગને લગતા 159 સૂચનોનો સમાવેશ થાય છે. દર વર્ષે બજેટ તૈયાર કરતા પહેલાં નાગરિકોની રજૂઆતોની સમીક્ષા કરીને યોગ્ય અને જરૂરી મુદ્દાઓને બજેટમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ નાગરિકો પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા હતા.
સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ ઝોનના નાગરિકોએ મોકલ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનના કુલ 713 સૂચનો મળ્યા છે. દક્ષિણ ઝોનના 419 સૂચનો, પૂર્વ ઝોનના 283 સૂચનો, મધ્ય ઝોનના 72 સૂચનો, ઉત્તર ઝોનના 40 સૂચનો, ઉત્તર-પશ્ચિમ ઝોનના 36 સૂચનો અને પશ્ચિમ ઝોનના 20 સૂચનોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત થયેલા સૂચનોનો અભ્યાસ કરીને શક્ય તેટલા તમામ સૂચનોને આગામી બજેટમાં આવરી લેવાની દિશામાં કામગીરી કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું.


