અમદાવાદ : અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક જાહેર શૌચાલયની સુવિધા ઊભી કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવા 19 પિંક ટોયલેટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં અગાઉથી 16 પિંક ટોયલેટ બનાવવામાં આવ્યાં છે. હવે વિવિધ ઝોનમાં અંદાજે રૂ.5.77 કરોડના ખર્ચે નવા ટોયલેટનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ ટોયલેટમાં બેબી ફીડિંગ રૂમ, ડાયપર ચેન્જિંગ રૂમ અને સેનેટરી પેડ વેન્ડિંગ મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
19 નવેમ્બરે ઉજવાતા વર્લ્ડ ટોઇલેટ ડેના અવસરે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મહિલાઓની જાહેર સ્વચ્છતા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને આ આયોજનની વિગતો જાહેર કરવામાં આવી છે. હાલમાં અમદાવાદમાં 16 પિંક ટોઇલેટ કાર્યરત છે. હવે નવા 19 ટોઇલેટ બન્યા બાદ શહેરમાં આ પ્રકારનાં જાહેર શૌચાલયોનો વ્યાપ વધુ વધશે.
અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં મહિલાઓને સરળતાથી જાહેર શૌચાલયની સુવિધા મળી રહે તે માટે નવા પિંક ટોઇલેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે શહેરના તમામ ઝોનમાં સ્થળોની પસંદગી કરવામાં આવી છે.
નવા પિંક ટોઇલેટ કયા વિસ્તારમાં બનશે તેની વિગતો નીચે મુજબ છે.
દક્ષિણ ઝોન: લાંભા, વટવા, દાણીલીમડા અને ઇસનપુરમાં કુલ 4 પિંક ટોઇલેટ.
ઉત્તર પશ્ચિમ ઝોન: ગોતા વિસ્તારમાં 1 પિંક ટોઇલેટ.
પશ્ચિમ ઝોન: સાબરમતી અને નવરંગપુરામાં કુલ 2 પિંક ટોઇલેટ.
ઉત્તર ઝોન: સૈજપુર, નરોડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર અને કુબેરનગરમાં કુલ 6 પિંક ટોઇલેટ.
પૂર્વ ઝોન: અમરાઈવાડી, નિકોલ અને વસ્ત્રાલમાં કુલ 3 પિંક ટોઇલેટ.
મધ્ય ઝોન: અસારવા, શાહપુર અને જમાલપુરમાં કુલ 3 પિંક ટોઇલેટ.
આમ, શહેરના કુલ 6 ઝોનમાં 19 નવા પિંક ટોઇલેટનું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને જાહેર સ્થળોએ અવરજવર કરતી મહિલાઓ માટે ઉપયોગી બનશે.
નવા નિર્માણ પામનાર પિંક ટોઇલેટમાં સ્થળની ઉપલબ્ધ જગ્યા અને જરૂરિયાત મુજબ પૂરતી ટોઇલેટ સીટની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ માટે સુલભ ટોઇલેટ તેમજ જરૂરી સહાયક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મહિલાઓની વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક ટોઇલેટમાં બેબી ફીડિંગ રૂમ, બેબી ડાયપર ચેન્જિંગ રૂમ, સેનેટરી પેડ વેન્ડિંગ મશીન તેમજ વપરાયેલ સેનેટરી પેડના યોગ્ય નિકાલ માટે ઇન્સિનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે.
પિંક ટોઇલેટની સ્વચ્છતા, સુરક્ષા અને નિયમિત જાળવણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. ટોઇલેટની સફાઈ, પાણીની ઉપલબ્ધતા અને અન્ય સુવિધાઓની દેખરેખ માટે મહિલા કેરટેકરની નિમણૂક કરવામાં આવશે, જેથી મહિલાઓને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ મળી રહે.


