અમદાવાદ : AMTS દ્વારા શહેરના નવા વિકસતા વિસ્તારોમાં જાહેર પરિવહનની સુવિધાને વધારે વેગવાન બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મોટો નિર્ણય લેવાયો છે. આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં એએમટીએસના કાફલામાં 1 હજાર નવી ઇ બસોને ઉમેરવામાં આવશે. જેથી શહેરના 130થી વધુ રુટ પર બસોની ફ્રિકવન્સી વધશે અને દૈનિક અંદાજે 1 લાખ મુસાફરોને સીધો લાભ પ્રાપ્ત થશે.ખાસ કરીને શહેરી વિસ્તારની સાથે નવા વિકસતા વિસ્તારોના લોકોને તેનો સીધો લાભ થશે.
રિપોર્ટ મુજબ, AMTS દ્વારા નિકોલ, બાપુનગર, શીલજ, બોપલ, ઘુમા, હંસપુરા, નવાનરોડા સહિત શહેરના નવા વિકસતા વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારોમાં બસોની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં શહેરમાં 130થી વધુ રૂટ પર 800થી વધુ બસ દોડે છે. AMTSની બસોમાં દરરોજ સરેરાશ એક લાખ જેટલા મુસાફરો મુસાફરી કરે છે. નવી બસો ઉમેરાયા બાદ મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે.આ ઉપરાંત નવી ઇલેક્ટ્રિક બસોના સંચાલન માટે જમાલપુર ખાતે કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવશે. જેના કારણે બસોના સંચાલન અને વ્યવસ્થાપન પર વધુ સારી રીતે નજર રાખી શકાશે. ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી પર્યાવરણને પણ ફાયદો થવાની આશા છે.
હાલમાં મુખ્ય અને વ્યસ્ત રૂટ પર દર 10થી 20 મિનિટે બસ ઉપલબ્ધ થાય છે, જ્યારે લાંબા અંતરના અને બહારના વિસ્તારોના રૂટ પર દર 25થી 45 મિનિટે બસ મળે છે. કેટલાક ઓછા ટ્રાફિકવાળા રૂટ પર મુસાફરોએ એક કલાક સુધી બસની રાહ જોવી પડે છે. બીજી તરફ, નવી બસો માટે સ્ટાફની ભરતી અને સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. અગાઉની પ્રક્રિયામાં થયેલા વિલંબને ધ્યાનમાં રાખીને ત્રીજા તબક્કામાં પણ સિંગલ કંપનીને કામગીરી સોંપવાનું આયોજન છે.
આમ, AMTSના કાફલામાં 1 હજાર નવી બસ ઉમેરાવાથી અમદાવાદના જાહેર પરિવહન નેટવર્કને નવી ગતિ મળશે અને રોજિંદા મુસાફરોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.


