અમદાવાદ : શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી અણમોલ ટાવર સોસાયટીમાં રખડતા શ્વાનનો ત્રાસ વધતાં રહીશો પરેશાન થઈ ગયા છે. સોસાયટીમાં શ્વાનના કરડવાની અનેક ઘટનાઓ બની હોવાના આક્ષેપ વચ્ચે હવે રહીશોએ લોકોને સાવચેત કરવા અનોખો રસ્તો અપનાવ્યો છે. સોસાયટીના ગેટ પર જ ‘અમારી સોસાયટીના શ્વાન કરડે છે’ તેવી ચેતવણી લગાવવામાં આવી છે. સોસાયટીના રહીશોએ AMC માં CCTV ફૂટેજ સાથે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ મુજબ, શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ અણમોલ ટાવરના રહીશોએ સોસાયટીના પ્રવેશદ્વાર પર ચેતવણીનું બોર્ડ લગાવ્યું છે. તેમાં સોસાયટીના શ્વાન કરડતા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. સામાન્ય રીતે સોસાયટીમાં સ્વાગત કે સૂચનાનાં બોર્ડ જોવા મળે છે, પરંતુ અહીં શ્વાનથી સાવધાન રહેવા માટે બોર્ડ લગાવવાની સ્થિતિ ઊભી થઈ છે.
રહીશોનો આક્ષેપ છે કે સોસાયટીમાં રખડતા શ્વાનના ત્રાસને કારણે અનેક લોકોને કરડવાની ઘટનાઓ બની છે. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ડરનો માહોલ છે. શ્વાનના ભયથી કેટલાક રહીશો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ સમસ્યાને કારણે બાળકો સાંજે રમવા કે સાઇકલ ચલાવવા માટે નીચે ઉતરતાં પણ ડરે છે. સવારે અને સાંજે વોક કરવા નીકળતા રહીશોની પાછળ પણ શ્વાન દોડે છે.
ડિલિવરી કર્મચારીઓ પણ સોસાયટીમાં આવતા ડરે છે – રખડતા શ્વાનના ત્રાસને કારણે સોસાયટીમાં રહેતા લોકો ઉપરાંત બહારથી આવતા લોકો પણ પરેશાન છે. રહીશોના જણાવ્યા મુજબ, ડિલિવરી અને પાર્સલ આપવા આવતા કર્મચારીઓ પણ સોસાયટીમાં આવવાનું ટાળે છે. ટ્યુશન માટે આવતા બાળકોની પાછળ પણ શ્વાન દોડતા હોવાની ઘટનાઓ સામે આવી છે.
છેલ્લા પાંચ વર્ષથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આ અંગે AMCમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. શ્વાન બાળકોની પાછળ દોડતા હોવાના CCTV ફૂટેજ પણ કોર્પોરેશનને આપવામાં આવ્યા છે. તેમ છતાં શ્વાનને પકડવા કે સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ અસરકારક કાર્યવાહી થઈ ન હોવાનો રહીશોનો આક્ષેપ છે. હવે સોસાયટીના રહીશોએ AMC પાસે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે.


