અમદાવાદ : અમદાવાદ શહેરમાં માળખાકીય વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત માર્ગ પર આવેલા અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઇસ્કોન સરખેજ બ્રિજની ગુણવત્તા સામે હવે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. નવા નવા બનેલા આ બ્રિજ પર વાહન ચલાવવું હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે, કારણ કે બ્રિજ શરૂ થયાના સાત દિવસમાં જ તેના પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, જનતાની સુવિધા માટે અંદાજે રૂ. 464 કરોડના મસમોટા ખર્ચે તૈયાર કરાયેલા આ ફ્લાયઓવર બ્રિજનું ગત 9 નવેમ્બરના રોજ જ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થયા હજુ માંડ સાત દિવસ જ થયા છે, ત્યાં તો બ્રિજના છેડાના ભાગ પાસે ડામરની સપાટી ઉખડી ગઈ છે અને ત્યાં મોટા ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં બ્રિજની આવી દયનીય હાલત થઈ જવાથી સરકારી નાણાંના વેડફાટ અને ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ રહી છે.
તાજેતરમાં બ્રિજ પરથી પસાર થતા એક વાહનચાલકે રસ્તાની સપાટી યોગ્ય ન હોવાનો આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો છે. વાહનચાલકના દાવા મુજબ, બ્રિજ પર રોડનું પોલીસિંગ કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાથી જે પણ વાહનચાલકો પસાર થઈ રહ્યા છે તેમની ગાડીઓ ઉબડખાબડ રસ્તા પરથી પસાર થતી હોય તેવું તેમને લાગી રહ્યું છે. જેનો વીડિયો વાઇરલ બ્રિજ પરના રસ્તાની કામગીરી સામે વાહનચાલકોએ સવાલ ઉઠાવ્યા છે.
આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય રામ કુમાર કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીના કારણે વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બ્રિજ પર સ્પીડમાં દોડતા વાહનો અચાનક આ ખાડાઓમાં પટકાવવાથી ગંભીર અકસ્માતો સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. તંત્ર દ્વારા આ મામલે ત્વરિત તપાસ કરીને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.


