ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કોર ટીમની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ભાજપ દ્વારા 11 સભ્યોની આ કોર કમિટીની જાહેરાત કરાઈ છે. પ્રદેશ સંકલન સમિતિ દ્વારા કોર ગ્રૂપ જાહેર કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સમાવેશ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા કોર ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. ભાજપમાં પ્રદેશ કક્ષાએ કોર ગ્રુપ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. વિવિધ નિર્ણયોમાં આ કોર ગ્રુપની ભૂમિકા મહત્વની હોય છે. જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ આ કોર ગ્રુપની જાહેરાત કરવામાં આવી છે. આ કોર ગ્રુપમાં કુલ 11 નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. આ કોર ટીમ દ્વારા રાજ્યમાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ચર્ચા-વિચારણા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.જેમાં કેટલાક રિપીટ થયા છે તો કોઈને પડતા મુકવામાં આવ્યા છે.
જગદીશ વિશ્વકર્મા માટે કહેવાય છે તેઓ પ્રયોગ માટે જાણીતા છે. સીઆર પાટીલે 2022માં રચેલી જૂની કમિટીમાં પ્રદેશ મહામંત્રીઓને મહત્વ અપાયું હતું.વિશ્વકર્માએ જૂના નેતાઓ પર વધારે ભરોસો મૂક્યો છે. જેને પગલે જ આઈ કે જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માથી લઈને ગણપત વસાવાનો સમાવેશ કરાયો છે. એક સમયે પાટીલના રાજમાં સાઈડલાઈન થયેલા નેતાઓને હવે પ્રાધાન્ય મળવા લાગ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સીઆર પાટીલને પણ કોર કમિટીમાં રાખી એમના અનુભવનો નિચોડ લેવાનો પ્રયાસ કર્યો છે.
જૂની કોર કમિટીમાં પણ સીએમ અને નાયબ સીએમ સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગણપત વસાવા અને જીતુ વાઘાણીનું નામ હતું. જેઓ રીપિટ થયા છે પણ ભાજપે સંગઠનમાંથી બાકાત થયેલા પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, વિનોદ ચાવડા અને ભાર્ગવ ભટ્ટને બાકાત રાખ્યા છે. જેઓ એક સમયે પ્રદેશ મહામંત્રીનું પદ સંભાળતા હતા. શંકરભાઈ ચૌધરી હાલમાં વિધાનસભાના અધ્યક્ષ હોવાથી તેનું નામ નવી કોર કમિટીમાંથી બાકાત રહ્યું છે. ભાજપે એક મહિલાનો સમાવેશ કરવા માટે નવી કોર કમિટીમાં રંજનબેન ભટ્ટની જગ્યાએ મંત્રી દર્શનાબેન વાઘેલાનો સમાવેશ કર્યો છે. આમ અહીં મહિલા મંત્રી તરીકે દર્શનાબેનને લોટરી લાગી છે.
વર્ષ 2026મા ભાજપે જાહેર કરેલી કોર કમિટીના સભ્યો
કોર ગ્રુપમાં 11 લોકો સામેલ
ભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી)
જગદીશ વિશ્વકર્મા (પ્રદેશ અધ્યક્ષ)
સીઆર પાટિલ (કેન્દ્રીય મંત્રી)
હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી)
રત્નાકરજી (પ્રદેશ સંગઠન મહામંત્રી)
જીતુ વાઘાણી (કેબિનેટ મંત્રી)
ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી)
ગણપત વસાવા (ધારાસભ્ય)
દર્શનાબેન વાઘેલા (મંત્રી, રાજ્ય સરકાર)
ભુપેન્દ્ર સિંહ ચુડાસમા (પૂર્વ મંત્રી)
આઈ. કે. જાડેજા (પૂર્વ મંત્રી)
વર્ષ 2022મા ભાજપે જાહેર કરેલી કોર કમિટીના સભ્યો
1. સીઆર પાટીલ
2. ભુપેન્દ્ર પટેલ
3. રત્નાકર
4. જીતુ વાઘાણી
5. ભાર્ગવ ભટ્ટ
6. રજની પટેલ
7. પ્રદીપસિંહ વાઘેલા
8. વિનોદ ચાવડા
9. શંકર ચૌધરી
10. ગણપત વસાવા
11. હર્ષ સંઘવી
12. રંજનબેન ભટ્ટ


