અમદાવાદ : દિવાળીના તહેવારમાં પીએમ યોજના હેઠળ 8 હજારનું દિવાળી બોનસ મળવા અંગેનો એક મેસેજ અને લિંક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.જે પણ લોકો આ લિંક પર ક્લિક કરે ત્યારે એપીકે ફાઇલ ડાઉનલોડ થતી હતી,જે બાદ નવું પેજ ખુલતું હતું.જે ક્લિક કર્યા બાદ વિગતો ભરવાથી બેંકમાંથી પૈસા ઉપડી જતા હતા.અમદાવાદ સાયબર ક્રાઈમને આ અંગેની ફરિયાદો મળી હતી.જે અંગે તપાસ કરતા પીએમ યોજનાના નામે બોનસ આપવાની ખોટી લાલચ આપી લોકો સાથે સાયબર ફ્રોડ કરતા હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટ મુજબ, સાયબર ગુનેગારો વોટ્સએપ અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેસેજ મોકલીને લોકોને દિવાળી બોનસ કે પીએમ યોજના હેઠળ 8,000 રૂપિયાની સહાય મળતી હોવાની લાલચ આપે છે. આ મેસેજ સાથે એક APK ફાઇલ પણ મોકલવામાં આવે છે. જેવું કોઈ નાગરિક અજાણતા આ APK ફાઇલ પર ક્લિક કરીને ડાઉનલોડ કરે છે, તે સાથે જ તેના મોબાઈલમાં એક શંકાસ્પદ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે.
સાયબર ગુનેગારો દ્વારા મોકલવામાં આવતા આ મેસેજમાં એક લિંક આપવામાં આવે છે. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરે છે કે તરત જ ફોનમાં એક APK ફાઇલ ડાઉનલોડ થઈ જાય છે. ત્યારબાદ જુદા જુદા પેજ ખોલીને અરજી કરવાનું નાટક કરવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન ઠગોનો મુખ્ય હેતુ મોબાઇલનો એક્સેસ મેળવવાનો હોય છે, જેથી WhatsApp, Telegram તેમજ બેંકિંગ એપ્લિકેશન્સની ખાનગી વિગતો સરળતાથી ચોરી શકાય.
આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવિના સિન્હાએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ પણ પ્રકારની બોનસ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને તે માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી, બંગાળી અને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ ફેલાવાઈ રહ્યો છે. તહેવારોની મોસમમાં લોકોની લાગણી અને લાલચનો લાભ ઉઠાવવા માટે ઠગો આવા નુસખા અપનાવતા હોય છે.


