અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ ફેલાવતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતા બે ટ્રકને ઝડપી પાડી કુલ રૂ. 15,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
બુધવાર વહેલી સવારે ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ જ્યારે મોર્નિંગ રાઉન્ડમાં હતા, ત્યારે ચાંદલોડીયા વોર્ડમાં આવેલ જગતપુર રોડ પરથી માટી ભરેલા બે ખુલ્લા ડમ્પર પસાર થતા જોવા મળ્યા હતા. AMC ના નીતિ-નિયમો મુજબ, માટી, રેતી કે ડેબ્રીજ ભરેલા વાહનો પર ગ્રીન નેટ ઢાંકવી ફરજિયાત છે, જેથી ધૂળ અને માટી રોડ પર ન ઉડે. જોકે, આ બંને ટ્રક કોઈપણ કવર વિના પુરપાટ ઝડપે દોડી રહ્યા હતા, જેના કારણે જાહેર માર્ગ પર ગંદકી અને પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું.
કાયદેસરની કાર્યવાહી વોર્ડના સેનિટેશન સ્ટાફ દ્વારા તાત્કાલિક બંને ટ્રકને અટકાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે:પ્રથમ ટ્રક (નંબર: GJ 08 AU 7788): જેની પાસેથી રૂ. 5,000નો દંડ વસૂલાયો હતો.બીજો ટ્રક (નંબર: GJ 16 AU 9347): જેની પાસેથી રૂ. 10,000નો દંડ વસૂલાયો હતો.ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવતા જગતપુરમાં દરરોજ 10થી વધુ માટી ભરેલા ડમ્પરો ફરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીનાં રાઉન્ડમાં માટી ભરેલા ડમ્પરો ગ્રીન નેટ લગાવ્યા વિના જોવા મળ્યા હતાં.
બંને ચાલકોને ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારી ન દાખવવા અને જાહેર માર્ગો પર ગંદકી ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે.તંત્રની અપીલડેપ્યુટી ડાયરેક્ટર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, ઉત્તર પશ્ચિમ ઝોન) દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બિલ્ડિંગ મટીરીયલ કે વેસ્ટ વહન કરતા વાહનો સામે જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ દૈનિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે છે. શહેરમાં પ્રદૂષણ અટકાવવા અને સ્વચ્છતા જાળવવા માટે તમામ વાહન ચાલકોએ નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.


