અમદાવાદ : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. ઘણા શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ જવાથી, રેસ્ટોરન્ટ અને હોટેલ માલિકો મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન, ઘણી જગ્યાએ ઘરેલુ ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો પણ લાગી છે. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને, સાયબર છેતરપિંડી કરનારાઓ સક્રિય થઈ ગયા છે. પોલીસે જનતાને ચેતવણી જાહેર કરીને, લોકોને ગેસ સિલિન્ડર બુકિંગના બહાને મળતા છેતરપિંડીભર્યા કોલ, મેસેજ અથવા લિંક્સ સામે સતર્ક રહેવાની સલાહ આપી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગેસ સિલિન્ડરોને લઈને વધતી જતી ચિંતા વચ્ચે, સાયબર છેતરપિંડી કરનારાઓએ એક નવી પદ્ધતિ શોધી કાઢી છે. સાયબર ઠગો દ્વારા વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલેલી આ એપ ડાઉનલોડ કરતાં જ કોઈના મોબાઈલનું સંપૂર્ણ એક્સેસ મળી જાય છે. આ રીતે સાયબર ઠગો પોતાના મોબાઈલમાં SMS અને કૉલ ફોરવર્ડ સર્વિસ પણ મેળવી લે છે, જેના કારણે કોઈ પણ બેંકના ઓટીપી અને અન્ય ખાનગી મેસેજ સીધા ગઠિયાઓ પાસે પહોંચે છે. આ રીતે લોકોના વોટ્સઅપ હેક થાય છે અને બેન્કમાંથી પૈસા પણ ઉપડી જવાના ફ્રોડ થાય છે.
આ સ્કેમમાં સાયબર ઠગ ઘણીવાર લીક ડેટાનો ઉપયોગ કરે છે અથવા રેન્ડમલી કોઈને પણ મેસેજ મોકલે છે. એકવાર યુઝર એપ ઇન્સ્ટોલ કરે એટલે તેના મોબાઈલના તમામ ટેક્સ્ટ મેસેજ ફ્રોડ કરનારાના નંબર પર ફોરવર્ડ થવા લાગે છે. તેઓ આ ઓટીપીનો ઉપયોગ કરીને યુઝરના જ નંબરથી બીજા મોબાઈલમાં વોટ્સએપમાં લોગ-ઈન કરે છે. એકવાર યુઝરનું વોટ્સએપ હેક થઈ જાય, પછી તેઓ યુઝરના મિત્રો અને ફેમિલીગૃપમાં ફરીથી LPG સિલિન્ડર બુક કરાવવાની લિંક-મેસેજ મોકલે છે. અન્ય લોકો લોકોને લાગે છે કે તમે આ મેસેજ મોકલ્યો છે, તેથી તેઓ પણ તેનો શિકાર બને છે અને આ રીતે આ આખી સાયકલ ચાલતી રહે છે.
આ રીતે સાયબર ઠગ માયાજાળમાં ફસાવે છે
વાયરલ મેસેજ: સાયબર ઠગ દ્વારા ગેસની તંગીના સમયે ગેસ મેળવવા માટે એક લિંક કે એપની વિગત ધરાવતો મેસેજ વાઇરલ કરાય છે.
એપ્લિકેશન ઇન્સ્ટોલેશન: યુઝરને જાણીતા નંબર પરથી મેસેજ આવતા વિશ્વાસ કરીને એપ ઇન્સ્ટોલ કરે છે અને માંગવામાં આવેલી તમામ મંજૂરી ‘Allow’ કરે છે.
સર્વિસ એક્ટિવેશન: ઇન્સ્ટોલ થતાની સાથે જ મોબાઈલમાં SMS ફોરવર્ડિંગ અને કોલ ફોરવર્ડિંગ સર્વિસ ચાલુ થઈ જાય છે.
OTP ચોરી: બેન્કના OTP કે WhatsApp લોગીન માટેના OTP સીધા છેતરપિંડી કરનારાના મોબાઈલ પર જાય છે.
WhatsApp હેકિંગ: તમારા OTPનો ઉપયોગ કરીને તે તમારા WhatsApp માં લોગ-ઇન કરી લે છે અને તમને ‘Log out’ કરી દે છે.
સ્કેમનો ફેલાવો: તમારા હેક થયેલા એકાઉન્ટમાંથી તમારા કોન્ટેક્ટ્સ અને ગ્રૂપમાં ખોટા મેસેજ મોકલવામાં આવે છે.
બચવા માટેના પગલાં
• જો આવું કંઈ પણ થાય તો સૌથી પહેલા મોબાઈલમાંથી સીમ કાર્ડ કાઢી નાખવું જોઈએ.
• સેટિંગમાં જઈને ‘એપ મેનેજર’ માંથી પેલી શંકાસ્પદ એપ્લિકેશનને ડિલીટ કરી દો.
• જો એપ્લિકેશન ન મળે તો ડેટાનો બેકઅપ લઈને ફોન ફોર્મેટ કરી નાખવો જોઈએ (પણ એપ્લિકેશન ડેટાનો બેકઅપ ન લેવો).
• ગૂગલ પર WhatsApp Grievance Form સર્ચ કરીને ફોર્મ ભરો, જેથી 12 કલાકમાં તમારું એકાઉન્ટ રિકવર થઈ શકે.
• એકાઉન્ટ પાછું મળે એટલે તરત જ સેટિંગમાં જઈને Two Step Verification ચાલુ કરી દેવું જોઈએ.
જો તમે છેતરપિંડીનો ભોગ બનો તો શું કરવું?: જો તમે અજાણતામાં છેતરપિંડીવાળી લિંક દ્વારા ચુકવણી કરી દીધી હોય, તો ગભરાવાની જરૂર નથી; જોકે, તાત્કાલિક કાર્યવાહી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૌ પ્રથમ, ભારત સરકારના સાયબર હેલ્પલાઇન નંબર – 1930 – પર કૉલ કરો અને ઘટનાની સંપૂર્ણ વિગતો આપો. વધુમાં, તમે cybercrime.gov.in પર નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકો છો. નિષ્ણાતો જણાવે છે કે ફરિયાદ જેટલી વહેલી તકે દાખલ કરવામાં આવે છે, ખોવાયેલા પૈસા પાછા મેળવવાની શક્યતા એટલી જ વધારે છે.


