અમદાવાદ : અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે. તેવામાં શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી સોલા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ વિસ્તારમાંથી એક શખ્સને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદલોડિયા વિસ્તારમાં સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂત નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક હથિયાર જપ્ત કરી આરોપીની અટકાયત કરી હતી.
ઝડપાયેલા આરોપી વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂતની ધરપકડ કરી પોલીસે હથિયાર કબજે કર્યું છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે આ હથિયાર પોતાના ‘સ્વબચાવ’ માટે લાવ્યો હતો. જોકે, આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને કોની પાસેથી ખરીદ્યું હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.


