અમદાવાદ : સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ ઉત્કૃષ્ટ કૌશલ્ય અને અદ્ભુત ટીમવર્કનો પરિચય આપતાં વધુ એક જટિલ અને દુર્લભ કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. પંચમહાલ જિલ્લાના 47 વર્ષીય બળવંતભાઈની શ્વાસનળીમાં આશરે દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં સફળતાપૂર્વક બહાર કાઢીને તબીબોએ તેમને નવજીવન આપ્યું છે.
દર્દી બળવંતના જણાવ્યાનુસાર, આશરે દોઢ વર્ષ પહેલાં તેમનો એક દાંત આપોઆપ પડી ગયો હતો અને પાણી પીતી વખતે અજાણતા જ શ્વાસનળીમાં જતો રહ્યો હતો. જેના કારણે છેલ્લા એક મહિનાથી તેમને સતત ઉધરસ અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ રહી હતી. તકલીફ વધતાં દર્દીને 20મી જુલાઈ 2026ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પલ્મોનરી મેડિસીન વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબી તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, આ દાંત શ્વાસનળીની એક શાખામાં ઊંડે સુધી ફસાયેલો હતો.
કેસની ગંભીરતાને ધ્યાને રાખી પલ્મોનરી મેડિસીન, કાન-નાક-ગળા (ENT) અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ સંયુક્ત સારવાર યોજના તૈયાર કરી હતી. ત્યારબાદ 23મી જુલાઈના રોજ ઓપરેશન થિયેટરમાં અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનીકની મદદથી આ દાંતને માત્ર 2 મિનિટમાં જ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.
પલ્મોનરી મેડિસીન વિભાગના વડા ડૉ. નલિન ટી. શાહે જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે નાના બાળકોમાં શ્વાસનળીમાં બાહ્ય વસ્તુઓ ફસાવાના કિસ્સા જોવા મળતા હોય છે, પરંતુ 47 વર્ષીય વ્યક્તિમાં દોઢ વર્ષ સુધી દાંત ફસાયેલો રહેવો એ અત્યંત દુર્લભ બાબત છે. શ્વાસનળીમાં કોઈ પણ પદાર્થ (Foreign Body) લાંબો સમય રહે તો ચેપ લાગવા સાથે ફેફસાં કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી સતત ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ રહેતી હોય, તો વિલંબ કર્યા વિના નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઈએ.’
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું હતું કે, પલ્મોનરી મેડિસીન, ENT અને એનેસ્થેસિયા જેવા વિભાગો વચ્ચેના સુમેળભર્યા સંકલન તેમજ અદ્યતન તબીબી ટેકનોલોજીના કારણે જ દર્દીને નવજીવન મળ્યું છે. કોઈપણ પ્રકારની જટિલતા વિના દર્દીને સારવારના બીજા જ દિવસે સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી હતી. આ સફળતા સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની કુશળતા અને શ્રેષ્ઠ સુવિધાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.


