અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સાંજે ચાર વાગ્યા બાદ વીજળીના કડાકા સાથે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે, જેણે ભારે ઉકળાટ અને ગરમીથી ત્રાસેલા શહેરીજનોને મોટી રાહત આપી છે.
રિપોર્ટ મુજબ, સવારથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગત રાત્રે પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રવિવારે બપોર બાદ વરસાદે ફરી જોર પકડ્યું હતું. નવાવાડજ, રાણીપ, જગતપુર, એસજી હાઇવે, ગોતા, મકરબા, જુહાપુરા, સરખેજ અને આનંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડ્યો હતો.
એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, મોટેરા, નરોડા, એરપોર્ટ, શાહીબાગ, સરસપુર, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, બાપુનગર, લાલદરવાજા અને જમાલપુર સહિત સમગ્ર શહેરમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી રવિવારની સાંજે ફરવા નીકળેલા શહેરીજનો અટવાઈ પડ્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.
અમદાવાદમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા આગામી સમયમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. શહેરમાં આજે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણ ઠંડું બન્યું હતું અને લાંબા સમય બાદ ફરી એકવાર ચોમાસાએ જોરદાર હાજરી નોંધાવી હતી.
અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?
આજે સવારે 6 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 1.05 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
હંસપુરા: 2.54 ઇંચ
મોટેરા: 2.20 ઇંચ
નરોડા: 2.15 ઇંચ
દુધેશ્વર: 1.95 ઇંચ
સરદારનગર: 1.91 ઇંચ
નિકોલ: 1.81 ઇંચ
રાણીપ: 1.69 ઇંચ
ચાંદખેડા: 1.65 ઇંચ


