અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની સેવા અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં “સેવા સંકલ્પ અભિયાન” હેઠળ વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાશે.
“સેવા સંકલ્પ અભિયાન”ના આગોતરા પર્વ રૂપે તા. 13 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં “વડનગરથી વારાણસી સેવાયાત્રા” બાઇક રેલીનો શુભારંભ થશે. મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી નરેશભાઈ પટેલ નવસારીના પવિત્ર ઉનાઈ માતાજીના મંદિર ખાતેથી આ સેવાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તે જ રીતે, રાજ્યના અન્ય મુખ્ય યાત્રાધામો ખાતેથી પણ સેવાયાત્રાનો પ્રારંભ થશે.
સોમનાથ ખાતેથી મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. પાવાગઢ ખાતેથી રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ પ્રસ્થાન કરાવશે. શામળાજી ખાતેથી રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી તથા રાજ્ય મંત્રી પી. સી. બારંડા યાત્રાને પ્રસ્થાન કરાવી યાત્રામાં દિવસ દરમિયાન જોડાશે.આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, 13 સપ્ટેમ્બરના રોજ ઉનાઈ માતાના મંદિર, શામળાજી, સોમનાથ અને પાવાગઢ એમ 4 અલગ-અલગ પવિત્ર સ્થળોએથી પ્રસ્થાન પામેલી આ બાઇક યાત્રાઓ 16 સપ્ટેમ્બરે વડનગર ખાતે પહોંચશે.
પ્રત્યેક યાત્રામાં 25 થી 30 બાઇક સ્વાર, એક સુસજ્જ LED વાન અને એક પવિત્ર કળશ રથ જોડાશે. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ આ કળશમાં એકત્રિત કરવામાં આવશે. LED વાન મારફતે વડાપ્રધાનના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારતે સાધેલી વિકાસની અભૂતપૂર્વ યાત્રાની ઝાંખી ગામે-ગામ રજૂ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, આ ચાર દિવસીય યાત્રા દરમિયાન રૂટ પર આવતા ગામોમાં રક્તદાન કેમ્પ, વ્યાપક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી વિવિધ જનહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. ચાર દિવસીય યાત્રામાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉત્સાહભેર જોડાશે.
યાત્રાના પ્રથમ તબક્કાના અંતે વડનગર ખાતે કળશમાં એકત્રિત પવિત્ર જળથી હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરાશે. 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ગરિમામય ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે 500 થી વધુ સાધુ-સંતો અને 10000થી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભાવભરી મહાઆરતી યોજાશે.
વડનગરથી વારાણસી પવિત્ર પ્રયાણ મહાઆરતી બાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને યાત્રાના દ્વિતીય તબક્કાનો પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અલગ-અલગ 10 રૂટ પર વડનગરથી વારાણસીની સેવાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સાથોસાથ, વારાણસીથી પણ વડનગર માટે 10 કળશ યાત્રાઓ રવાના થશે.
આ 20 દિવસીય સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી તમામ પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરવામાં આવશે. વારાણસી ખાતે યાત્રાના સમાપન સમયે આ પવિત્ર જળથી બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરીને રાષ્ટ્રના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.


