અમદાવાદ : શહેરમાં ઘાટલોડિયાની જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે ‘આચાર્ય વંદના કાર્યક્રમ’ અંતર્ગત ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ મુજબ, જ્ઞાનદા ગર્લ્સ ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે ‘આચાર્ય વંદના કાર્યક્રમની શરૂઆત સરસ્વતી પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓએ ગુરુના મહિમા પર સુંદર વક્તવ્ય રજૂ કરી ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ તેમજ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ પ્રસંગે ગુરુપૂજન વિધિ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીનીઓએ શિક્ષકોને તિલક કરી પુષ્પ અર્પણ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ ગુરુ મહિમા દર્શાવતું ભાવસભર ગીત રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંકલ્પ વાચન પણ યોજાયું, જેમાં તમામ વિદ્યાર્થીનીઓએ ગુરુજનોના આદર્શોને જીવનમાં ઉતારવા, માતા-પિતા અને શિક્ષકોનો આદર કરવા તેમજ સદાચારપૂર્ણ જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો.
અંતમાં શાળાના આચાર્યશ્રીએ પોતાના સંબોધનમાં ગુરુના મહિમા અને શિક્ષણના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને સંસ્કારસભર વાતાવરણ છવાયેલું રહ્યું. વિદ્યાર્થીનીઓએ ગુરુજનોનું વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુપૂર્ણિમાની આ ઉજવણી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી, સંસ્કારસભર અને ચિરસ્મરણીય બની રહી હતી.


