અમદાવાદ: અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગની ટીમે (SMC) એક મોટી કાર્યવાહી કરી હોવાના અહેવાલ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનીટરીંગસેલની ટીમે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મોટો દરોડો પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન 150થી વધુ જુગારીઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
રિપોર્ટ મુજબ, દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યા હતા. જુગારધામ પરથી 150 જેટલા જુગારીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં પણ અહીં ચાલતો જુગાર ઝડપા ચૂક્યો છે. SMCએ દરોડો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યો છે.જુગારધામમાં સીસીટીવી સહિતની તમામ સુવિધાઓ હોવાની જાણકારી મળી રહી છે. ઘટનાસ્થળ પરથી લકઝુરિય ગાડી સહિતનો મુદ્દામાલ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દરિયાપુર વિસ્તારમાં વર્ષોથી મનપસંદ જીમખાના ક્લબ આવેલી છે. આ અગાઉ પણ અનેક વખત આ સ્થળ પરથી જ જુગારધામ ઝડપાય ચૂક્યું છે. ત્યારે વધુ એકવાર કરવામાં આવેલી કાર્યવાહીથી ફરીથી ચર્ચા જાગી છે.


