અમદાવાદ : સમગ્ર અમદાવાદ સહિત ગુજરાતમાં મોલ તથા અન્ય જાહેર-કમર્શિયલ પ્લેસ પર વાહનોને પાર્ક કરવા માટે નાગરિકો પાસેથી ચાર્જ વસૂલવાના મુદ્દે હાઈકોર્ટનો હુકમ રદ્દ કરીને સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપી દીધો છે. મોલ માલિકો મુલાકાતીઓ પાસેથી વાહન માટેનો ચાર્જ કે ફી વસુલી શકે છે.સુપ્રીમ કોર્ટે 15 સપ્ટેમ્બર 2026ના રોજ આપેલા ચુકાદામાં ગુજરાત હાઈકોર્ટની 10 જુલાઈ 2019ની ખંડપીઠનો એ આદેશ રદ કર્યો છે, જેમાં મોલ અને અન્ય કોમર્શિયલ સ્થળોના માલિકોને મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવા અંગે રોક લગાવવામાં આવી હતી.
રિપોર્ટ મુજબ, આ સમગ્ર મામલો એક મોલમાં પાર્કિંગ ચાર્જ વસૂલવાના નિર્ણયથી શરૂ થયો હતો. સંબંધિત મોલ સંચાલકોએ બે-વ્હીલર માટે રૂ.10 અને ફોર-વ્હીલર માટે રૂ.20 પાર્કિંગ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ પાર્કિંગ ચાર્જ સામે અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટની ખંડપીઠે 2019માં એવી દલીલ કરી હતી કે તે સમયના લાગુ વિકાસ નિયમો હેઠળ મોલ અને કોમર્શિયલ સ્થળોએ મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવાની સ્પષ્ટ જોગવાઈ નહોતી. હાઈકોર્ટે મોલ સંચાલકો દ્વારા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી હોવાનું માન્યું હતું.
વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મોલ અને અન્ય કોમર્શિયલ સ્થળોના પાર્કિંગને લઈને મહત્વપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું. કોર્ટના જણાવ્યા મુજબ, તે સમયના General Development Control Regulations અને સંબંધિત કાયદાઓમાં મોલ તથા મલ્ટિપ્લેક્સના મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવાની જોગવાઈ જોવા મળતી નહોતી. હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે, મોલના બાંધકામ માટે જરૂરી પાર્કિંગની જગ્યા પૂરી પાડવી મોલ માલિકની જવાબદારીનો ભાગ છે.આ આધારે કોર્ટે મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલવાની વ્યવસ્થા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. આ ચુકાદા બાદ મામલો આગળ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
હવે સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને અલગ દૃષ્ટિકોણથી જોતા ગુજરાત હાઈકોર્ટનો 2019નો ખંડપીઠનો આદેશ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું કે આ કેસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારને વ્યાપક પાર્કિંગ નીતિ ઘડવા માટે અગાઉથી સૂચનાઓ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવવામાં આવ્યું કે, અમદાવાદમાં હવે Parking Policy, 2021 નામની વ્યાપક પાર્કિંગ નીતિ અસ્તિત્વમાં છે. કોર્ટના મતે જ્યારે સંબંધિત વિષય માટે સક્ષમ અને નિષ્ણાત વૈધાનિક સંસ્થા દ્વારા નીતિ ઘડવામાં આવી ચૂકી છે, ત્યારે જૂના હાઈકોર્ટના આદેશને યથાવત રાખવાનો આધાર રહેતો નથી. તેથી ખંડપીઠનો અગાઉનો આદેશ રદ કરવામાં આવ્યો અને અપીલોનો નિકાલ કરવામાં આવ્યો.


