અમદાવાદ : અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન સેવાઓની બેદરકારીને કારણે વધુ એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. શહેરના કાલુપુર બ્રિજ પર 137 નંબર રૂટની AMTS EV બસના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને 2થી 3 જેટલાં ટુ-વ્હીલરોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટુ-વ્હીલરના કચ્ચરઘાણ બોલી ગયા હતા તો મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
રિપોર્ટ મુજબ, કાલુપુર બ્રિજ પર ટ્રાફિકની અવરજવર ચાલુ હતી તે સમયે બેફામ ઝડપે આવતી રૂટ નંબર 137 પર દોડતી ‘AEEV 0L’ રજિસ્ટ્રેશન નંબરની AMTS ઈલેક્ટ્રિક બસ રામદેવ મસાલાથી બાપુનગર તરફ જઈ રહી હતી.બસ કાલુપુર બ્રિજ પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નજીક પહોંચી ત્યારે ચાલકે આગળ ચાલી રહેલા ટુ-વ્હીલર્સ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રાથમિક ટક્કર બાદ ગભરાયેલા બસ ચાલક માનસિંગ રાઠોડે બસ રિવર્સ લેવાનો પ્રયાસ કરતા પાછળ આવી રહેલા અન્ય બે-વ્હીલર પણ બસ નીચે કચડાઈ ગયા હતા.
ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો અને રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. લોકોએ ત્વરિત ધોરણે ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને કારણે કાલુપુર બ્રિજ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
બનાવની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી રોષે ભરાયેલા લોકોને વિખેર્યા હતા. હાલમાં બસ અને તેના ચાલક માનસિંગ રાઠોડને અટકાયતમાં લઈ ‘E’ ટ્રાફિક પોલીસ સ્ટેશન (હવેલી) દ્વારા ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે.


