અમદાવાદ : તાજેતરમાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ બોપલ, ઘુમા, શેલા, આંબલી અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહે સ્થાનિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. બોપલની BKM સ્કૂલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક રહીશો, વિવિધ સોસાયટીઓના ચેરમેન સહિતના લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો અમિત શાહ સમક્ષ મૂકી હતી.
લોક દરબારનો મુખ્ય હેતુ તાજેતરના ભારે વરસાદ બાદ સર્જાયેલી સમસ્યાઓને સમજવાનો અને સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળવાનો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, પોલીસ કમિશનર, રેલવેના ડીઆરએમ, કલેક્ટર સહિતના સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોક દરબારમાં બોપલ, ઘુમા, શેલા, આંબલી અને આસપાસના વિસ્તારોના રહીશો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. લોક દરબારમાં રહીશોએ ભારે વરસાદ દરમિયાન સર્જાયેલી પાણી ભરાવાની સમસ્યા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇન, નર્મદાના પાણીની સુવિધા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પુલ, ઓક્સિજન પાર્ક, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, રોડ વિસ્તરણ અને તળાવોના વિકાસ સહિતના મુદ્દાઓ રજૂ કર્યા હતા.
રિપોર્ટ મુજબ, આ લોક દરબારમાં સરખેજના નાગરિક દ્વારા વરસાદી પાણીના નિકાલ અને પંપિંગ સ્ટેશનની માંગ કરી હતી, જ્યારે બોડકદેવના નાગરિક દ્વારા બોપલમાં સ્વિમિંગ પુલ અને રમતગમતની સુવિધા ઉભી કરવાની રજૂઆત કરી હતી. સરખેજ વોર્ડના રહીશોએ વધતી વસ્તીને ધ્યાનમાં રાખી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પાર્કિંગ સાથેના કોમ્યુનિટી હોલની માંગણી કરી હતી. જ્યારે જોધપુર-બોપલ વિસ્તારના રહીશોએ વધુ ઓક્સિજન પાર્ક, ઓપન જિમ અને બગીચાની જરૂરિયાત દર્શાવી હતી. થલતેજના રહીશોએ DPS પાસેના સાંકડા રસ્તાને પહોળો કરવા તેમજ રત્ના તળાવને વસ્ત્રાપુર તળાવની જેમ વિકસાવવાની માંગ કરી હતી.
રહીશોની રજૂઆતો સાંભળ્યા બાદ અમિત શાહે સ્વીકાર્યું કે આ વર્ષે પડેલા અસામાન્ય વરસાદને કારણે AMCની અગાઉની યોજનાઓ નાની પડી ગઈ હતી. તેમણે કહ્યું કે, 50 વર્ષમાં પહેલીવાર 21 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કલ્પના કરતાં વધુ વરસાદ પડ્યો તે સ્વીકારવું પડશે. અમિત શાહે કહ્યું કે, હું ફરી મત માંગવા આવું તે પહેલાં 30 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરીશું. પાણીના નિકાલની જવાબદારી માત્ર મેયર કે AMC કમિશનરની નહીં, પરંતુ સાંસદ તરીકે મારી પણ છે અને તેનો ઉકેલ લાવીશું.
લોક દરબારના અંતે અમિત શાહે તમામ સોસાયટીના ચેરમેનો સાથે અલગ બેઠક યોજવાની જાહેરાત કરી અને તમામ પ્રશ્નો લેખિતમાં મોકલવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના કાર્યો વધુ ઝડપથી આગળ વધશે અને બોપલ-ઘુમા વિસ્તારની સમસ્યાઓના સ્થાયી ઉકેલ માટે સરકાર પ્રતિબદ્ધ છે.


