અમદાવાદ : આગામી દિવસોમાં તહેવારની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે જો તમે બહારથી મીઠાઈ ખરીદતા હોય તો સાવધાન રહેજો કારણ કે મીઠાઈમાં પણ હવે ભેળસેળ હોય છે અને તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે. તહેવારોની સિઝનમાં શહેરના નાગરિકો દ્વારા મીઠાઈ, નમકીન-ફરસાણ, બિસ્કિટ, કૂકીઝ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોની મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે છે. આ દરમિયાન નાગરિકોને સલામત, ગુણવત્તાયુક્ત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે કડક ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના સાતેય ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન કુલ 22 જેટલા એકમો પર રેપિડ કિટની મદદથી સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કાલુપુર અને બાપુનગર વિસ્તારમાં ગંભીર ભેળસેળ અને ભારે અસ્વચ્છતા સામે આવતા ફૂડ વિભાગે આકરાં પગલાં ભરીને મીઠાઈની જાણીતી દુકાન અને કારખાનાને સીલ કરી દીધા છે.
દરોડાની કામગીરી દરમિયાન કાલુપુર વિસ્તારમાં આવેલી અતિ જાણીતી ‘શ્રી કનૈયાલાલ માવાવાળા’ નામની દુકાન પર ફૂડ વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ત્યાં ઉપલબ્ધ કાજુકતરીનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. કાજુકતરી પર ચાંદીના વરખના નામે અન્ય હલકી ગુણવત્તા ધરાવતી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ટેસ્ટિંગમાં સાબિત થતાં AMCની ટીમે તુરંત જ ‘કનૈયાલાલ માવાવાળા’ના એકમને સીલ મારી દીધું હતું.
ફૂડ વિભાગે પોતાની તપાસનો દૌર આગળ ધપાવતા બાપુનગર અને દરિયાપુર વિસ્તારમાં પણ આકરા પગલાં લીધા હતા. બાપુનગરમાં ગુણવત્તા વગરની સામગ્રીથી ગેરકાયદેસર રીતે કાજુકતરી બનાવતું આખું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની જરૂરી મંજૂરી કે ફૂડ લાયસન્સ વગર ધમધમતી અને દરીયાપુર તથા બાપુનગર કનેક્શન ધરાવતી ‘બાલાજી માવાવાળા’ નામની પેઢીમાં ભારે અસ્વચ્છતા અને ગંદકી જોવા મળતાં તેને પણ સ્થળ પર જ સીલ કરી દેવાયું છે.
AMC દ્વારા શહેરના તમામ Food Business Operators (FBO), મીઠાઈ ઉત્પાદકો, ફરસાણ ઉત્પાદકો, ડેરી પ્રોડક્ટ ઉત્પાદકો તથા અન્ય ખાદ્ય વ્યવસાયકારોને તહેવારોની સિઝનમાં વિશેષ કાળજી રાખવાની રહેશે. AMC ફૂડ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તહેવારો દરમિયાન વેચાતી મીઠાઈ કે ફરસાણની દુકાનોમાં જો ગંદકી, ભેળસેળ કે લાયસન્સ વગરનું વેચાણ માલૂમ પડશે તો તેમની સામે સીલિંગ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.


