અમદાવાદ : અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થનાર છે. જ્યારે ઓલિમ્પિક રમતોત્સવના આયોજનની યજમાની મેળવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બાબતોને ધ્યાનમાં સમગ્ર શહેરનો 3D ડિજિટલ મેપ અને GIS ડેટાબેઝ તૈયાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈ-ગવર્નન્સ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પરમારે જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રૂ. 240 કરોડના ખર્ચે દેશની ‘મેસર્સ જિનેસિસ ઈન્ટરનેશનલ કોર્પોરેશન લિમિટેડ’ કંપનીને આ માટેનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 625 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ડ્રોન અને અત્યાધુનિક વાન મારફતે સર્વે કરી 3D ડિજિટલ મેપ અને સ્ટ્રીટ વ્યુ તૈયાર કરાશે. જેમાં જમીન, મિલકતો અને વર્ષો જૂની ભૂગર્ભ યુટિલિટીઝ જેવી કે પાણી, ગટર, વરસાદી લાઈનો તથા કેબલ્સના ચોક્કસ સ્થાન અને ઊંડાઈનું મેપિંગ કરવામાં આવશે.
આ ઉપરાંત, શહેરની 25 લાખ જેટલી મિલકતોનો સર્વે કરી સ્પેશિયલ મોબાઈલ એપ દ્વારા જિયો-કોડિંગ અને ડિજિટલ ડોર આઈડી આપવામાં આવશે. જેનાથી ટેક્સ આકારણીમાંથી બાકી રહી ગયેલી મિલકતો શોધી શકાશે અને કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સની આવકમાં મોટો વધારો થશે. જે મિલકતો ઉપર બોજો નોંધાયો હશે તેનો ખ્યાલ આવશે.
કોર્પોરેશનની વિવિધ સેવાઓ અને ઓનલાઈન સિસ્ટમ સાથે સંકલિત થનારો આ ડેટાબેઝ અઢી વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.જેમાં પ્રથમ તબક્કામાં 9 લાખ મિલકતો અને બીજા તબક્કામાં 16 લાખ મિલકતોનું jio કોડિંગ કરી અઢી વર્ષમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.


