અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવાર પેટડોગ જર્મન શેફર્ડે મહિલાને બચકું ભર્યા છે. જેમાં રામોલમાં મહિલા ઘરમાં કચરો વાળીને ઝાંપાની બહાર ફેંકવા નીકળતા જ પાડોશીના પેટડોગે મહિલાને બચકું ભરીને ઇજાઓ પહોંચાડી હતી. અગાઉ પણ આ જ પેટડોગ હુમલો કરી ચૂક્યો હોવા છતાં કોઈ તકેદારી ન રાખી ઝાંપો ખુલ્લો મુકનાર મહિલા માલિક વિરુદ્ધ રામોલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ મુજબ, વસ્ત્રાલમાં હરભોળાપાર્ક વિભાગ 2માં 54 વર્ષીય કપીલાબેન પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. ગત 4 સપ્ટેમ્બરે સાંજના સમયે કપિલાબેન ઘરમાં કચરો વાળીને બહાર ફેંકવા ઝાંપાની બહાર નીકળતા જ પાડોશી ધર્મિષ્ઠાબેન પ્રજાપતિનું પેટડોગ જર્મન શેફર્ડ કપિલાબેન પાસે આવીને હાથમાં બચકું ભરીને જતું રહ્યું હતું. અચાનક થયેલા હુમલાથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં કપિલાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આટલું ન નહિ ચાર મહિના પહેલા પણ આ પેટડોગ દ્વારા મહિલા પર હુમલો કરીને ઇજાઓ કરી હતી. તેમ છતાં પેટડોગ માલિકે કોઈ સુરક્ષા કે તકેદારી રાખ્યા વગર ઝાંપો ખુલ્લો રાખીને લોકોના જીવને જોખમમાં મુક્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત કપિલાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કપિલાબેને પેટડોગ માલિક ધર્મિષ્ઠાબેન સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


