અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને રાહત થાય એવો એક નિર્ણય લેવાયો છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં હવે વોટ્સએપ પર રિપોર્ટ આપવાની સુવિધા શરુ કરવામા આવી છે. આને કારણે રિપોર્ટ માટે હવે હોસ્પિટલમાં આવવાની જરુર નહીં રહે. દર્દીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર રિપોર્ટ મોકલી દેવાશે.
રિપોર્ટ મુજબ, સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર વોટ્સએપ પર રિપોર્ટ આપવાની સુવિધા શરૂ કરાઈ છે, જેને કારણે દર્દી કે તેમના સગાં રિપોર્ટ માટે વારંવાર ધક્કા નહીં ખાવા પડે છે. ટેસ્ટ કરાવતી વખતે દર્દીનો મોબાઈલ નંબર રજિસ્ટર કરાશે જેના પર રિપોર્ટ મોકલી દેવાશે. પ્રિન્ટ કઢાવવાની જરૂર નહીં પડે. 2 થી 3 દિવસમાં સુવિધા શરૂ થશે.વોટ્સએપ પર બ્લડ સહિતના ટેસ્ટ રિપોર્ટ મળવાથી દર્દીઓને રિપોર્ટ લેવા માટે હોસ્પિટલના ધક્કા નહીં ખાવા પડે અને ઘેર બેઠા જ મળી જશે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, સિવિલ હોસ્પિટલમાં નવી ઓપીડી પણ શરુ કરવામાં આવી છે જે રૂમ નં. 75માં શરુ કરાઈ છે. ઓપીડીમાં રોજ 4 હજાર દર્દીઓ આવતા હોવાથી સવારના સમયે ભીડ થતી હોય છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે. જેથી હવે ફોલોઅપ માટે આવતા દર્દીઓને સવારના બદલે બપોરે બોલાવવામાં આવશે.
આ ઉપરાંત બિલિંગ કાઉન્ટર 1 થી વધારી 2 કરાયા છે અને ઓનલાઈન ચૂકવણીની સુવિધા પણ શરુ કરવામાં આવી છે.આ વ્યવસ્થાનો હેતુ માત્ર લાઈનો ઘટાડવાનો નથી, પરંતુ દર્દીને યોગ્ય સેવા માટે યોગ્ય સ્થળે અને ઓછા સમયમાં પહોંચાડવાનો છે.


